31 December, 2022 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાંડુમાં રહેતા અને બાઇક પર શિર્ડી જવા માટે સવારે નીકળેલા એક કપલને કન્ટેનરે ઉડાવતાં બંનેનાં કરુણ મૃત્યુ થયાં હતાં, જ્યારે બાઇક પર તેમની સાથે બેસેલી સાડાત્રણ વર્ષની પુત્રી દૂર ફંગોળાતાં બચી ગઈ હોવાનું પોલીસે કહ્યું હતું. કપલ તેમના સંબંધીઓ અને મિત્રો સાથે નવા વર્ષમાં શિર્ડીમાં સાઈંબાબાનાં દર્શન કરવા માટે બાઇક પર ગ્રુપમાં નીકળ્યું હતું.
મુંબઈ-નાશિક હાઇવે પર ગઈ કાલે સવારના સાડાનવ વાગ્યે ભિવંડી પાસેના યેવઈ નાકા ખાતે બાકઇ પર જઈ રહેલા ભાંડુપના કપલને એક કન્ટેનરે ઉડાવ્યું હોવાની ઘટના બની હતી. આ ઍક્સિડન્ટમાં પતિ-પત્ની મનોજ અને માનસી જોશીનાં કરુણ મોત નીપજ્યાં હતાં. બાઇકને કન્ટેનર પાછળથી ટક્કર મારતાં બાઇક રસ્તામાં પડી ગઈ હતી અને કપલ પર પાછળ આવી રહેલું કન્ટેનર ફરી વળ્યું હતું.
થાણે ગ્રામીણના ભિવંડી તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તાત્રય બોરાટેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભાંડુપમાં રહેતા મનોજ અને માનસી જોશી તેમના પરિવારજનો અને મિત્રો સાથે નવ બાઇક પર સાંઈબાબાનાં દર્શન કરવા માટે શિર્ડી જવા માટે આજે સવારે નીકળ્યાં હતાં. સાડાનવ વાગ્યે મનોષ જોશીની બાળકને પાછળ આવી રહેલા કન્ટેનરે અડફેટે લેતાં પતિ-પત્ની રસ્તાની વચ્ચે પડી ગયાં હતાં અને તેમના ઉપરથી ૧૦ ટાયરવાળું કન્ટેનર ફરી વળ્યું હતું. તેમણે હેલ્મેટ પહેરી હોવા છતાં આટલાં બધાં ટાયર તેમના પરથી પસાર થઈ જતાં તેઓ કચડાઈ ગયાં હતાં. આ કેસમાં કન્ટેનરના ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે. હાઇવે પર બાઇકથી મુંબઈથી શિર્ડી જેટલા દૂરના અંતરે પ્રવાસ કરવો અત્યંત જોખમી છે. આથી કોઈએ આવું સાહસ ન કરવું જોઈએ.’