ટોલમાં ઝોલ

24 September, 2024 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સમૃદ્ધિ મહામાર્ગ અને બાંદરા-વરલી સી-લિન્ક પર કૉન્ટ્રૅક્ટર કંપનીઓએ ૬૯ વખત ટોલના નિયમનો ભંગ કરતાં સરકારે નોટિસ મોકલી

ટોલ

મુંબઈ-નાગપુરના સમૃદ્ધિ મહામાર્ગ અને બાંદરા-વરલી સી-લિન્ક રોડના ટોલમાં ઝોલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે સમૃદ્ધિ મહામાર્ગ અને બાંદરા-વરલી સી-લિન્ક પર ટોલ કલેક્ટ કરતી કંપનીઓનો કૉન્ટ્રૅક્ટ રદ કરવા બાબતની નોટિસ મોકલી છે. સમૃદ્ધિ મહામાર્ગ પર રોડવે સૉલ્યુશન્સ ઇન્ડિયા ઇન્ફ્રા લિમિટેડ કંપની અને બાંદરા-વરલી સી-લિન્ક પર ફાસ્ટગો ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ટોલ વસૂલ કરે છે. આ કંપનીઓએ ટોલ કલેક્ટ કરવાના નિયમનો ૬૯ વખત ભંગ કર્યો હોવાનો આરોપ થતાં રાજ્ય સરકારે આ કંપનીના ૬૦ કરોડ રૂપિયા સીઝ કર્યા છે. રાજ્ય સરકારના મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ આ નોટિસ ૧૬ સપ્ટેમ્બરે મોકલી હોવાનું જાણવા મળ્યું હતું. ૩૧ સપ્ટેમ્બર સુધી આ કંપનીઓ યોગ્ય જવાબ નહીં આપે કે ખુલાસો નહીં કરે તો એમના કૉન્ટ્રૅક્ટ રદ કરવામાં આવશે.

આ વર્ષે ૭ જૂને પાર્થ દેસાઈ નામના કારમાલિકે ફરિયાદ કરી હતી કે તેણે ૨૧ મેએ સવારના ૧૦.૩૬ વાગ્યે બાંદરા-વરલી સી-લિન્ક પર વરલીથી બાંદરા તરફ પ્રવાસ કર્યો હતો ત્યારે તેની કારનું ફાસ્ટૅગ ઍક્ટિવ હતું અને ટોલ ડેબિટ પણ થયો હતો. એ જ દિવસે રાત્રે ૧.૪૧ વાગ્યે તે બાંદરાથી વરલી તરફ ગયો ગયો હતો ત્યારે ફાસ્ટૅગમાં બૅલૅન્સ હોવા છતાં ટોલ પ્લાઝાએ કારને બ્લૅક લિસ્ટ કરી હતી. આવી જ રીતે MSRDCને સમૃદ્ધિ મહામાર્ગ પર પણ આ પ્રકારની ફરિયાદ મળી હોવાનું જાણવા મળ્યું હતું. 

mumbai news mumbai maharashtra state road transport corporation mumbai traffic sea link samruddhi expressway