થર્ટીફર્સ્ટ મનાવવા મળશે?

23 December, 2022 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનની પરિસ્થિતિ જોતાં ભારત સરકાર પણ સફાળી જાગી હોવાથી મુંબઈગરા આવી ગયા ટેન્શનમાં. જોકે સત્તાવાળાઓ અત્યારે તો હોઠ સીવીને બેઠા છે

પ્રતીકાત્મક તસવીર

આપણે ત્યાં કોરોના નહીં, એનો હાઉ પેસી ગયો હોવાથી લોકોએ એને લઈને ચર્ચા કરવાની શરૂ કરી દીધી છે અને એમાં અત્યારે સૌથી મોટી ચર્ચા એ ચાલી રહી છે કે આપણને એટલે કે મુંબઈગરાઓને આ વખતે થર્ટીફર્સ્ટ સેલિબ્રેટ કરવા મળશે કે ફરીથી કોરોનાનાં નિયંત્રણો લાગુ થઈ જશે?

જોકે આ બાબતે હજી કોઈ ફોડ પાડીને બોલવા તૈયાર નથી. ગઈ કાલે રાજ્યના હેલ્થ મિનિસ્ટર તેમ જ બીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલને આ બાબતે સતત કોશિશ કરવા છતાં તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નહોતો. મોટી સંખ્યામાં લોકોએ થર્ટીફર્સ્ટની પાર્ટી માટે બુકિંગ કરી દીધું હોવાથી એનું શું થશે એની લોકોની સાથે હોટેલવાળાઓને પણ ચિંતા થવા માંડી છે. તેમને તો આ બાબતે ઇન્ક્વાયરી પણ આવવાની શરૂ થઈ ગઈ છે. આ સિવાય જેમને ત્યાં લગ્ન છે એ લોકો પણ ટેન્શનમાં છે. ઈવન, ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સવાળાની પણ ચીનથી આવતા સમાચારોએ ઊંઘ ઉડાડી દીધી છે.

બે વર્ષથી કોરોનાનાં નિયંત્રણ હોવાથી આ વખતે જોરશોરથી થર્ટીફર્સ્ટ મનાવવાનો લોકોનો પ્લાન હોવાથી મોટી સંખ્યામાં મુંબઈગરાઓએ શહેરની આસપાસના ટૂરિસ્ટ સ્પૉટ પર બુકિંગ કરાવી દીધું છે.

આ બધા વચ્ચે હવે કેન્દ્ર સરકારે પણ સાવચેત રહીને કોરોના વખતે જે બેઝિક નિયમો - માસ્ક પહેરવો, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું વગેરે - પાળતા હતા એ ફરી એક વાર અમલમાં લાવવા જણાવ્યું છે, ત્યારે રાજ્ય સરકારે પણ એને ગંભીરતાથી લઈને પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે કહ્યું છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ સાવચેતી તો રાખવી જ પડશે.

નાગપુરના વિધાનભવનમાં ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતા હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, હેલ્થ મિનિસ્ટર ડૉ. તાનાજી સાવંત, ગિરીશ મહાજન, સંજય રાઠોડ અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વિશ્વસ્તરે કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાજ્યમાં એ સંદર્ભેની તૈયારી, વૅક્સિનેશન અને અન્ય બાબતોની ચર્ચા થઈ હતી. હાલ રાજ્યમાં કોરોનાના ૧૩૨ ઍક્ટિવ કેસ છે. એમાંથી ૨૨ દરદીઓને હૉસ્પિટલોમાં સારવાર અપાઈ રહી છે. આ ઉપરાંત રાજ્યના કોરોના કેસનું જિનોમ સીક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે. હવે પછી દરેક જિલ્લાના નોડલ ઑફિસર તેમના જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ પર સતત નજર રાખશે એવો પણ આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. 
મુંબઈમાં પણ આ બાબતે કાળજી લેવામાં આવી છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે. મુંબઈની બે સરકારી હૉસ્પિટલ સેન્ટ જ્યૉર્જ અને સેવનહિલ્સમાં હાલ પણ બે વૉર્ડ કોરોના માટેના ચાલુ છે. જો કોઈ વ્યક્તિ કોરોના પૉઝિટિવ હોય તો આજની તારીખે પણ તેને આ બંને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવી શકાય છે.

આ ઉપરાંત એવી પણ સૂચનાઓ અપાઈ છે કે જો કોઈ દરદીનો રિપોર્ટ કોરોના પૉઝિટિવ આવે તો તેનાં સૅમ્પલ જિનોમ સીક્વન્સિંગ માટે મોકલવાં, જેથી એ ચકાસી શકાય કે એ ચોક્કસ કયો વેરિઅન્ટ છે. આ ઉપરાંત દવાઓનો પૂરતો સ્ટૉક પણ રાખવામાં આવ્યો છે. એ સિવાય જો કેસ વધે તો એને પહોંચી વળવા સાદા અને ઑક્સિજનની સુવિધા ધરાવતા બેડ પણ તૈયાર રાખવા જણાવાયું છે. જો જરૂરી જણાય તો રેલવે સ્ટેશન અને બસ-સ્ટૅન્ડ પર ફરી એક વાર ચેકિંગ અને ટેસ્ટિંગ ચાલુ કરવા જણાવાયું છે. હાલ મુંબઈમા કોરોના માટે ૪,૪૫૦ બેડ રખાયા છે. એમાંથી ૯૦૨ બેડ આઇસીયુના છે, ૫૪૪ વેન્ટિલેટરવાળા છે અને ૨,૧૪૫ બેડ ઑક્સિજનની સુવિધા સાથેના છે. હાલ મુંબઈમાં કોરોનાના સાત દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

મુંબઈગરાને હાકલ કરાઈ છે કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો, માસ્ક પહેરો, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવો. જો કોરોનાનાં લક્ષણો જણાય તો તરત જ ટેસ્ટ કરાવો અને યોગ્ય સારવાર લો. હાલ એટલી ગંભીર પરિસ્થિતિ નથી કે ડરવું પડે, પણ સાવચેતી રાખવામાં જ શાણપણ છે. 

mumbai mumbai news coronavirus covid19 new year happy new year