24 April, 2023 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રાજ્યમાં કોરોનાના વધતા કેસની સંખ્યાને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે તાજેતરમાં મુંબઈ, થાણે અને પુણે સહિત ૧૦ ઉચ્ચ જોખમ ધરાવતા જિલ્લાઓ પર વિશેષ ધ્યાન આપવા માટે આરોગ્ય વિભાગને સૂચના આપી હતી. રાજ્ય સરકારે કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના ટાસ્ક ફોર્સની પુનઃરચના કરી છે. તાનાજી સાવંતે પુણેમાં એક બેઠક યોજી હતી અને આરોગ્ય નિર્દેશક ડૉ. નીતિન આંબેડકર, સુભાષ સાળુંકે, ડૉ. રમણ ગંગાખેડકર, ડૉ. રાજેશ કરકર્તે અને ડૉ. હર્ષદ ઠાકુર સહિત ટાસ્ક ફોર્સના સભ્યો સાથે વાતચીત કરી હતી.
આ બેઠક દરમિયાન ચર્ચાના અંતે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. ડૉ. રમણ ગંગાખેડકરે કહ્યું હતું કે કોરોના માટે દૈનિક પરીક્ષણોની સંખ્યા વધારવી જોઈએ તેમ જ છેલ્લા કેટલાક દિવસોમાં યોજાયેલી મૉક ડ્રિલમાં જે ભૂલો જોવા મળે છે એનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ. લૅબોરેટરીઓ કોરોના ટેસ્ટિંગ માટે કાર્યરત રહે એની ખાતરી કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.