28 December, 2022 11:04 AM IST | Mumbai | Rajendra B Aklekar
બેસ્ટના ઉતારુઓ શુક્રવારે માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા (તસવીર : આશિષ રાજે)
વૈશ્વિક સ્તરે કોવિડના કેસમાં ઉછાળો નોંધાવા છતાં મુંબઈની જાહેર પરિવહન સેવાઓને હજી સુધી કોવિડ પ્રોટોકૉલ સંબંધે કોઈ નિર્દેશો આપવામાં આવ્યા નથી. જોકે અધિકારીઓ તરફથી ઉતારુઓ તેમ જ કર્મચારીઓને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આવશ્યકતા હશે તો રાજ્ય સરકાર માર્ગદર્શિકા જાહેર કરશે. રેલવેએ એના કર્મચારીઓને સાવચેતીનાં પગલાંરૂપે પ્રિકૉશનરી (બૂસ્ટર) ડોઝ લેવાનું તથા કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવા જણાવ્યું હતું. દરમ્યાન ઉતારુઓએ રેલવેને લોકલ તેમ જ બહારગામની એસી ટ્રેનના એસીનું તાપમાન જાળવવાની વિનંતી કરી હતી.
ઉતારુ સંગઠનોએ સામાન્ય તેમ જ એસી લોકલના ઉતારુઓને કોવિડનો પ્રસાર રોકવા માટે માસ્ક પહેરવાની વિનંતી કરવા સાથે રેલવેને એસી લોકલમાં તાપમાન જાળવવાની વિનંતી કરી હતી તથા પરિસ્થિતિ કાબૂની બહાર જાય એ પહેલાં રેલવે પ્રવાસ દરમ્યાન માસ્ક પહેરવાનું ફરજિયાત કરવા સૂચન કર્યું હતું.
વૈશ્વિક સ્તરે કોવિડના કેસમાં ઉછાળો નોંધાયો હોવા છતાં મોટા ભાગના મુસાફરોએ માસ્ક વિના જ પ્રવાસ કરવાનું ચાલુ રાખ્યું છે. (તસવીર : આશિષ રાજે)
રેલવેની તૈયારીઓ
રેલવેએ કોવિડ સામે લડી લેવા આંતરિક તૈયારીઓ કરી છે. આ માટે એણે ક્લિનિકલ અને રોગચાળાના સર્વેલન્સ સાથે જ પરિસ્થિતિના આધારે જ્યારે પણ જરૂર પડે ત્યારે ઝડપી પગલાં લઈ શકાય એ માટે તમામ સિસ્ટમને સજ્જ રહેવાની તૈયારી રાખી છે.
રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યા મુજબ કોવિડ પ્રોટોકૉલનું પાલન કરવા સાથે ટેસ્ટ-ટ્રૅક્ટ-ટ્રીટમેન્ટ-વૅક્સિન આમ પાંચ મુદ્દાની વ્યૂહરચના ઘડી છે. વૅક્સિનનું ઉત્પાદન કરતા એકમોને એની ઉપલબ્ધતા માટે જરૂરી વ્યવસ્થા કરવા જણાવાયું છે તેમ જ રેલવેના તમામ લાભાર્થીઓને બૂસ્ટર ડોઝ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ પૉઝિટિવ કેસના સૅમ્પલ્સને નિયુક્ત કરાયેલી ઇન્ડિયન સાર્સ-કોવ-૨ જિનોમ સીક્વન્સિંગ (આઇએનએસએસીઓજી) લૅબમાં મોકલવા જણાવાયું છે.