કોરોના: APMCમાં શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ગુરુવાર અને રવિવારે બંધ રહેશે

17 March, 2020 07:32 AM IST  |  Mumbai | Mumbai Correspondent

કોરોના: APMCમાં શાકભાજી અને ફ્રૂટ માર્કેટ ગુરુવાર અને રવિવારે બંધ રહેશે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસનો ફેલાવો જે રીતે વધી રહ્યો છે એને જોતાં એપીએમસીની શાકભાજી અને ફ્રૂટ માર્કેટ અસોસિએશનના વેપારીઓએ માર્કેટ સ્વચ્છ અને જંતુરહિત રહે એ માટે સાફસફાઈ કરવાનો નિર્ણય કર્યો છે અને એને માટે ગુરુવાર અને રવિવાર એમ બે દિવસ માર્કેટ બંધ રાખવામાં આવશે એવું ફ્રૂટ માર્કેટના ડિરેક્ટરે જણાવ્યું હતું.

કોરોના વાઇરસની સામે લડત ચલાવવા માટે અસોસિએશને ઉક્ત નિર્ણય લીધો છે. ફ્રૂટ માર્કેટના ડિરેક્ટર સંજય પાનસરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે બુધવાર રાત્રે ૧૧થી ગુરુવારની રાતના ૧૧ વાગ્યા સુધી તેમ જ શનિવારે રા‌ત્રે ૧૧થી રવિવારે રાતના ૧૧ વાગ્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. માર્કેટમાં આવતા ગ્રાહકોની સંખ્યા ઓછી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એની સામે એ જ ગ્રાહકોને શાકભાજી અને ફ્રૂટની હોમ ડિલિવરી કરવામાં આવે એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમે તમામ વેપારીઓને સ્વચ્છતા રાખવાની તાકીદ કરી છે. પોતાની અને પોતાના કામગારોની કાળજી કરો અને દુકાનો અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખો તેમ જ એપીએમસીને સાફસફાઈ કરવા માટે સહકાર આપવા માટે પણ જણાવ્યું છે. માલ ભરીને આવતી ગાડીઓને તાબડતોબ ખાલી કરીને એને રવાના કરવામાં આવે એવું પણ વેપારીઓને કહ્યું છે.

આ પણ વાંચો : કોરોનાના ડરથી મહાબળેશ્વર ખાલીખમ, સ્થાનિકોને કરોડોનો ફટકો

એપીએમસીમાં ભારે પ્રમાણમાં ભીડ થતી હોવાને કારણે ગેટ પર સૅનિટાઇઝર અને ટેમ્પરેચર ગનની સુવિધા ઉપલબ્ધ કરીને માર્કેટમાં આવનારા માણસની તપાસ કરવા જેવાં પગલાં પણ એપીએમસીએ લીધાં છે. કોરોના વાઇરસને માત કરવા માટે જનસંપર્ક ઓછો કરવાની વિનંતી પણ અસોસિએશને કરી હતી.

apmc market mumbai mumbai news vashi coronavirus