28 February, 2023 08:23 AM IST | Mumbai | Priti Khuman Thakur
વડા પ્રધાનની મુલાકાત પહેલાંના દિવસોમાં આ રસ્તાની હાલત આવી જોવા મળતી હતી - વડા પ્રધાનની મુલાકાત બાદ મરોલનો ચર્ચ રોડ એકદમ પહોળો અને સ્મૂધ થઈ ગયો છે
મુંબઈ : પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની મરોલ ખાતે ૧૦ ફેબ્રુઆરીએ મુલાકાત હોવાથી બીએમસીએ મરોલ વિસ્તારના તમામ રસ્તાઓને ચકાચક કરવાની સાથે ખાડામુક્ત કરી દીધા હતા. આખા વિસ્તારમાં રોપા મૂકવામાં આવ્યા હતા અને દીવાલોને સુશોભિત કરવામાં આવી હતી. અગાઉ સ્થાનિક લોકોએ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં મરોલના રસ્તાઓ ફન્ડના અભાવે બની રહ્યા ન હોવાની વાત સ્થાનિક લોકોને તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જોકે પ્રાઇમ મિનિસ્ટર આવતાં જ મરોલ વિસ્તારના એ રસ્તાઓ ખાડામુક્ત, પહોળા અને સ્મૂધ થતાં લોકોએ રાહત અનુભવી હતી. જોકે સ્મૂધ બનેલા આ જ રસ્તાઓ જીવલેણ સાબિત થાય એમ છે. ઍરપોર્ટ રોડ મેટ્રો સ્ટેશનથી લઈને મરોલ ચર્ચની આગળ સુધીના રસ્તા પર એક પણ સ્પીડબ્રેકર કે સ્પીડ કન્ટ્રોલ કરે એવી અન્ય સુવિધા ન હોવાથી વાહનચાલકો ફિલ્મ ‘ધૂમ’ની સ્ટાઇલમાં વાહનો ચલાવવા લાગ્યા હોવાથી લોકો માટે આ રસ્તા પરથી પસાર થવું કે રસ્તો ક્રૉસ કરવો જોખમી બની ગયું છે.
આ રસ્તા પર એક પણ ખાડો દેખાતો નથી એ જોઈને અમે ખૂબ ખુશ થઈ ગયા હતા એમ કહેતાં અહીંના સ્થાનિક રહેવાસી ગૉડફ્રે પિમેન્ટાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ અહીંના રસ્તાઓને કારણે હેરાન થઈ ગયા હતા. અમે બીએમસીના એન્જિનિયર અને કમિશનરથી લઈને મુખ્ય પ્રધાનને પણ રસ્તાઓની કથળેલી હાલત વિશે ફરિયાદ કરી હતી. જોકે અમને કહેવાયું હતું કે ફન્ડ નથી એટલે હાલમાં તો રસ્તા નહીં બને. જોકે ૧૦ ફેબ્રુઆરીએ વડા પ્રધાન યુનિવર્સિટીના ઉદઘાટન માટે મરોલની મુલાકાતે આવવાના હતા એ પહેલાં બીએમસીના ઈસ્ટ વૉર્ડમાં ઍરપોર્ટ રોડ મેટ્રો સ્ટેશનથી સૈફી કૉલોની, મરોલ સુધીના ચર્ચ રોડના સમગ્ર વિસ્તારને ડામરથી ફરીથી બનાવવામાં આવ્યો હતો અને આગળ પહોળો કરવામાં આવ્યો હતો. પહેલાં આ રસ્તા પર માટી અને અસમથળ કાચા રસ્તા જેવી હાલત હતી, પરંતુ હવે રસ્તો ચારગણો પહોળો અને સ્મૂથ થઈ ગયો છે. રસ્તાની આવી હાલત જોઈને અમે તો ખૂબ ખુશ થઈ ગયા હતા, પરંતુ હવે આ જ રસ્તો ખૂબ જોખમી બની ગયો હોવાથી સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે.’
તેમણે વધુમાં કહ્યું હતું કે ‘સેન્ટ જૉન, ધ ઇવેન્જલિસ્ટ ચર્ચ તેમ જ સેન્ટ જૉન ધ ઇવેન્જલિસ્ટ હાઈ સ્કૂલ અહીં આવેલી છે. ચર્ચ, મંદિર અને મુખ્ય રસ્તો છે. સ્મૂથ અને પહોળા બનેલા રસ્તાને કારણે હવે વ્યસ્ત ચર્ચ રોડ પર લોકો વાહનો ગાંડાની જેમ દોડાવી રહ્યા છે અને રાહદારીઓ ખૂબ પરેશાન થઈ ગયા છે. એથી આ રસ્તા પર સ્પીડબ્રેકર નાખવામાં આવે તો ગતિ મર્યાદામાં આવે, કારણ કે સ્પીડમાં જતાં વાહનો સામે કોઈ આવે અને અચાનક બ્રેક મારે તો વાહનોનું સ્પીડ પરથી નિયંત્રણ જતું રહે છે. હાલમાં જ એક રિક્ષાવાળાએ સ્કૂટરને જોરદાર ટક્કર મારી હતી. આ રોડ પર ઝડપથી દોડતાં વાહનોને કારણે સ્કૂલના વિદ્યાર્થીઓ રોડ ક્રૉસ કરતાં ડરી રહ્યા છે. ચર્ચમાં જતા લોકોને પણ રોડ ક્રૉસ કરવામાં મુશ્કેલી પડી રહી છે, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને. જો કોઈ દુર્ઘટના થાય તો અમે સંબંધિત અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવીશું. એથી અમે સ્કૂલના ગેટ સામેના પહોળા રોડ પર તાકીદે મિડિયન લગાવવાની તેમ જ ચર્ચ રોડ મરોલ પર તાકીદે ત્રણ સ્પીડબ્રેકર લગાવવાની માગ કરી છે. સ્પીડબ્રેકર બનાવવામાં તંત્ર નિષ્ફળતા દાખવશે તો મરોલના રહેવાસીઓ અને સ્કૂલમાં જતાં બાળકોના વાલીઓ પાસે આંદોલન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં.’