23 March, 2025 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકના ૬૫મા પાના પર વાર્તા ૩૩માં ભગવાન શ્રી દ્વારકાધીશ માટે લખાયેલી અયોગ્ય વાત.
સ્વામીનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી એટલે ભગવાનનાં દર્શન માટે વડતાલ જાઓ એવા લખાણ સામે માલધારી સમાજમાં રોષ વ્યાપ્યો છે. પોતાને સર્વોપરી દર્શાવવા બીજાના દેવને નીચા દર્શાવતા લખાણ સામે માલધારી સમાજ અને શ્રીકૃષ્ણ-ભક્તોમાં ભારોભાર રોષ ફેલાયો છે અને પુસ્તકમાંથી લખાણ હટાવવાની અને ભૂલ સ્વીકારવાની માગણી કરવામાં આવી છે.
‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકના ૬૫મા પાના પર વાર્તા ૩૩માં આબાસાહેબે ગોપાળાનંદ સ્વામીને પૂછતાં લખાયું છે કે ‘સ્વામી, મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે, એનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે?’ ત્યારે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે ‘ત્યાં હવે ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનનાં દર્શન કરવાં હોય તો વડતાલ જાઓ. ત્યાં સ્વામીનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
આ પ્રકારના લખાણ સાથેનું એક પેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે અને વિવાદ થયો છે. માલધારી સમાજના અગ્રણી રાજુભાઈ ઝુંઝા અને રણજિત મુંધવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોશ્યલ મીડિયામાં સ્વામીનારાયણ સંપ્રદાયના એક પુસ્તકનું એક પેજ વાઇરલ થયું હતું, જેમાં ભગવાન દ્વારકાધીશ વિશે અજુગતું લખવામાં આવ્યું છે. એમાં ભગવાન દ્વારકામાં નથી એ પ્રકારનું લખવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશ તો અત્ર, તત્ર, સર્વત્ર છે. સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક લોકો વારંવાર સનાતન ધર્મનાં દેવી-દેવતા પર વિવાદ કરતાં લખાણો લખતા હોય છે, બોલતા હોય છે. આવું લખાણ એ ભગવાં વસ્ત્રોને લાંછનરૂપ છે. ભગવાન શ્રીકૃષ્ણ તો વિશ્વમાં પૂજાય છે. આ પુસ્તકમાં જે લખ્યું છે એની સાથે અમે સહમત નથી. જે લખ્યું છે એ ખોટું લખ્યું છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. આ લખનારે માફી માગવી જોઈએ અને ભૂલ સ્વીકારવી જોઈએ. જો માફી નહીં માગવામાં આવે તો આવા સંતોનો બહિષ્કાર કરવામાં આવશે.’