ગણપતિબાપ્પાની મૂર્તિ ઇકો-ફ્રેન્ડલી છે કે પીઓપીની એ જાહેર કરવા એના પર કલરથી માર્કિંગ કરવાને લઈને થયો વિવાદ

12 September, 2023 07:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ વિભાગ તરફથી ઇકો-ફ્રેન્ડ્લી અને પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ ઓળખી શકાય એ માટે મૂર્તિ પર સિક્કા મારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મલાડમાં ઇકો-ફ્રેન્ડલી મૂર્તિને ગ્રીન માર્ક કરી રહેલી એક મૂર્તિકાર. નિમેશ દવે


મુંબઈઃ ગણેશોત્સવ દરમ્યાન પ્રદૂષણ વિભાગ તરફથી ઇકો-ફ્રેન્ડ્લી અને પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિ ઓળખી શકાય એ માટે મૂર્તિ પર સિક્કા મારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ પર ગ્રીન સિક્કા મારવામાં આવી રહ્યા છે, જ્યારે પીઓપીમાંથી બનાવેલી મૂર્તિ પર રેડ સિક્કા મારવામાં આવી રહ્યા છે. જોકે મુંબઈના પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ નિર્ણયનો વિરોધ કરીને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ ચહલને ગણેશોત્સવ આસ્થાનો વિષય હોવાથી ગણેશની મૂર્તિ પર કોઈ પણ પ્રકારના સિક્કા કે રંગનાં માર્કિંગ ન કરવામાં આવે એવો નિર્દેશ આપ્યો હતો.  
આ બાબતની માહિતી આપતાં બીજેપીના મુંબઈના અગ્રણી નેતા ભાલચંદ્ર શિરસાટે કહ્યુ હતું કે ‘મુંબઈમાં ગણેશોત્સવ અતિ મહત્ત્વનો છે. આ આસ્થાનો તહેવાર છે. દરેક ભાવિકો ગણેશની મૂર્તિને પવિત્ર માનીને એની મનપૂર્વક પૂજા કરે છે. એટલે આ ઉત્સવમાં કોઈની પણ શ્રદ્ધાને ઠેશ લાગે નહીં એના પર ધ્યાન રાખવું જરૂરી છે. આથી મૂર્તિ પર કોઈ પણ પ્રકારનું નિશાન લગાડવું એ લાખો હિન્દુઓની ભાવનાનું દિલ દુભાવવા સમાન છે. આથી પર્યાવરણ વિભાગે મૂર્તિનો ફરક સમજવા માટે કોઈ અન્ય વિકલ્પ શોધવાની જરૂર છે. આ માટે પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કમિશનર ઇકબાલ ચહલ સાથે વાત કરી હતી.’
બીએમસીના આદેશને લીધે મોટા ભાગના મૂર્તિકારોએ મૂર્તિ પર સિક્કા મારવાના શરૂ કરી દીધા હોવાથી એ બાબતે ધ્યાન જતાં બીજેપીએ એનો વિરોધ કર્યો છે. આ વિરોધને પગલે 
ગઈ કાલે જ પોતાના આદેશને રદ 
કરતી જાહેરાત બીએમસીએ કરી હતી. એમાં કહેવામાં આવ્યું હતું કે ‘અમે સમિતીના સભ્યો સાથે મીટિંગ કરીને તેમને મૂર્તિ પર આ પ્રકારના સિક્કા મારવાની કોઈ જરૂર ન હોવાનું કહ્યું હતું. તમામ મૂર્તિકારો પર આ નવી ગાઇડલાઇન્સ બંધનકર્તા રહેશે.’

mumbai news maharashtra news ganesh chaturthi