01 December, 2024 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સેન્ટ્રલની દિગંબર હૉસ્ટેલની બહારની ફુટપાથ પર કબૂતરોને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકતું બોર્ડ.
સાઉથ મુંબઈના ગોવાલિયા ટૅન્કમાં આવેલા એક કબૂતરખાનાને મુંબઈ મહાનગરપાલિકાએ તોડી પાડતાં સર્જાયેલા વિવાદનો અંત આવ્યો નથી ત્યાં જ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલી નવજીવન સોસાયટીની સામે દિગંબર હૉસ્ટેલની બહારની ફુટપાથ પર આવેલા ચાલીસ વર્ષ જૂના ચબૂતરામાં ચણ નાખવા પર પ્રતિબંધ મૂકતાં બોર્ડ મૂકી દીધાં છે. એને કારણે છેલ્લા એક મહિનાથી જીવદયાપ્રેમીઓ અને ચબૂતરાના વિરોધીઓ વચ્ચે રોજ વિવાદ ચાલી રહ્યો છે. આ દરમ્યાન ચબૂતરો બંધ થવાથી ચણ અને પાણી વિના કબૂતરો કમોતે મરી રહ્યાં છે એવી ફરિયાદ શુક્રવારે જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા પશુડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.
ચણા વેચવાવાળા પર કરેલી દંડાત્મક કાર્યવાહીની રસીદ.
માનવજીવન જેટલી જ મહત્તા આ પૃથ્વી પર પ્રાણીજીવની છે, પશુ-ક્રૂરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ની ધારા ૧૧ પ્રમાણે પશુ કે પક્ષી સાથે ક્રૂરતા કરવી એ કાયદાકીય ગુનો છે, પશુ-પક્ષીઓને ભૂખ્યાં રાખવાં એ બહુ મોટો ગુનો છે એમ જણાવતાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ મહાનગરપાલિકા અને ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશન તરફથી સ્થાનિક જીવદયાપ્રેમીઓને કબૂતરને ચણ નાખવા પર પ્રતિબંધ મૂકતાં ૯ નવેમ્બરથી અનેક કબૂતરો ચણ અને પાણી વગર ભૂખ્યાં-તરસ્યાં મરી રહ્યાં છે. કાયદામાં પ્રાણીઓ, પશુઓને ખવડાવવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આ ચબૂતરો પાંચ દાયકા જૂનો છે, જ્યાં વર્ષોથી સેંકડો કબૂતરો ચણવા આવે છે. જેમ ભિખારીઓને ખવડાવવું એ ગુનો નથી એમ પશુ-પક્ષીઓને ખવડાવવું એ ગુનો નથી, પરંતુ અચાનક મહાનગરપાલિકાએ આ સ્થળે ચણ ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દેતાં કબૂતરો ડીહાઇડ્રેશનથી મૃત્યુ પામી રહ્યાં છે. અહીં મૂકવામાં આવેલા પાણીના બાઉલ પણ અમુક લોકો દ્વારા હટાવી દેવામાં આવ્યા છે. જે જગ્યાએ ચબૂતરો હતો ત્યાંથી ૧૦૦ ફુટ દૂર વસતા રહેવાસીઓએ ચબૂતરાનો વિરોધ કરીને ત્યાં પાંચ ફુટનાં મોટાં કુંડાં મૂકી દીધાં છે. એને હટાવવાની મહાનગરપાલિકાએ ગઈ કાલ સુધી કોશિશ કરી નથી. મહાનગરપાલિકાના બોર્ડ સ્પષ્ટપણે નાગરિકોના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ બોર્ડમાં કહ્યું છે કે નાગરિકોને આથી ચેતવણી આપવામાં આવે છે કે તેઓ કોઈ પણ સાર્વજનિક સ્થળે પ્રાણીઓ કે પક્ષીઓને ખવડાવશે નહીં. સાથે-સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે જો ચણ નાખવામાં આવે તો એ જગ્યાને સાફ કરવાની જવાબદારી ચણ નાખવા આવનાર વ્યક્તિની છે, જો તે વ્યક્તિ ચણ નાખ્યા પછી એ જગ્યાને સાફ કરશે નહીં તો તે વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવશે. મુંબઈમાં મહાનગરપાલિકાએ પક્ષીઓને ખવડાવવા માટે કોઈ અન્ય વ્યવસ્થા કરી જ નથી એટલે પક્ષીઓને જાહેરમાં જ ખવડાવવું પડે છે. આપણા દેશમાં અનેક કાયદાઓ કબૂતરોને સુરક્ષા આપે છે. મહાનગરપાલિકાના કાયદાની રીતે આ વિસ્તારના અનેક જીવદયાપ્રેમીઓ કબૂતરોને ચણ અને પાણી આપ્યા પછી એ જગ્યાને સાફ કરવા તૈયાર હોવા છતાં મહાનગરપાલિકા અને પોલીસ અમુક સ્થાનિક રહેવાસીઓના દબાવમાં આવીને તેમને ચણ આપતા રોકી રહી છે.’