૪૫ દિવસમાં પેમેન્ટની જોગવાઈ મુલતવી રાખવા વિશે વિચારણા?

12 February, 2024 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફામે લઘુ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેને ૪૩(બી)એચ નિયમના અમલને ઓછામાં ઓછા ૬ મહિના માટે અથવા તો ૨૦૨૫ની ૧ એપ્રિલ સુધી મુલતવી રાખવાની વિનંતી કરતાં પ્રધાને વેપારીઓના કલ્યાણ માટે ફરી અભ્યાસ કરવાનું આશ્વાસન આપ્યું

કેન્દ્ર સરકારના નવા ૪૩(બી)એચ નિયમના અમલીકરણને મુલતવી રાખવા માટેનું લઘુ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેને આવેદનપત્ર આપી રહેલા ફામના પ્રમુખ જિતેન્દ્ર શાહ

કેન્દ્ર સરકારે તૈયાર કરેલા નવા ૪૩(બી)એચ નિયમના અમલીકરણને ઓછામાં ઓછા ૬ મહિના માટે અથવા તો ૨૦૨૫ની ૧ એપ્રિલ સુધી વધુ સ્પષ્ટતા માટે મુલતવી રાખવામાં આવે એવી ફેડરેશન ઑફ અસોસિએશન ઑફ મહારાષ્ટ્ર (ફામ)એ લઘુ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેને આવેદનપત્ર આપીને વિનંતી કરી હતી. ફામના પ્રતિનિધિમંડળે દિલ્હીમાં નારાયણ રાણેને મળીને સરકારે જાહેર કરેલા નિયમોના અર્થઘટન વિશે વેપારીઓમાં ઘણી અનિશ્ચિતતા છે અને હાલમાં અમે નાણાકીય વર્ષના અંતના આરે છીએ ત્યારે વેપારી સમુદાયની જટિલ પરિસ્થિતિ અને ફેલાયેલા ડરને લક્ષમાં રાખીને આ મુદ્દે સરકાર તરફથી વેપારી સમુદાયને સાથે રાખીને પુનર્વિચારણા થાય એ અત્યંત જરૂરી છે. ફામની વિનંતીની નારાયણ રાણેએ સકારાત્મકતા સાથે નોંધ લીધી હતી અને નાના વેપારીઓ તથા સમગ્ર વેપારી સમુદાયના કલ્યાણ માટે સંબંધિત વિભાગને સૂચન કર્યું હતું કે આ બાબતની તપાસ કરીને એનો અભ્યાસ કરીને આ નિયમનો અમલ કરવામાં આવે.

આ માહિતી આપતાં ફામના પ્રમુખ જિતેન્દ્ર શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નિયમથી વેપારી સમુદાય જબરદસ્ત ફફડાટ સાથે મૂંઝવણ અનુભવી રહ્યો છે, એથી અમે આ મુદ્દે લઘુ ઉદ્યોગ પ્રધાન નારાયણ રાણેને મળ્યા હતા. અમે તેમને વેપરીઓને આ નિયમથી થનારી મુસીબતની માહિતી આપી હતી. ફામની પૅનલના ઍડ્વોકેટ દેવેન્દ્ર હરનેશાએ સભ્યોને પડતી મુશ્કેલીઓ સમજાવી અને વિષય પર વિગતવાર વાર્તાલાપ કર્યો હતો. ત્યાર પછી અમે નારાયણરાણેને આવેદનપત્ર આપીને તાજેતરમાં દાખલ કરવામાં આવેલા આવકવેરા અધિનિયમની કલમ ૪૩(બી)એસના અમલીકરણને ઓછામાં ઓછા ૬ મહિના માટે અથવા પહેલી એપ્રિલથી વધુ સ્પષ્ટતાઓ સાથે મુલતવી રાખવાની વિનંતી કરી હતી, કારણ કે એના અર્થઘટન વિશે વેપારમાં ઘણી અનિશ્ચિતતા છે અને હાલમાં અમે નાણાકીય વર્ષના અંતના આરે છીએ. એ સિવાય નાના ઉત્પાદકો/વેપારીઓને ક્રેડિટ શરતો પરસ્પર નક્કી કરવાનો વિકલ્પ આપવો જોઈએ કે એ એના ખરીદદારોને શું આપવા માગે છે. નવા સુધારાથી લઘુ વ્યવસાયોને નુકસાન થઈ રહ્યું છે. નવા નિયમ પછી ૪૫ દિવસમાં પેમેન્ટ કરવાનું હોવાથી અનેક ખરીદદારોએ તેમના ઑર્ડર કૅન્સલ કરી દીધા છે. આ વેપારીઓ આ કાર્યક્ષેત્રની બહાર હોય એવા અન્ય વેપારીઓ પાસેથી ખરીદી કરી શકે છે, જેનાથી નાના અને સૂક્ષ્મ વ્યવસાયો માટે ધંધામાં ખોટ જવાના સંજોગો નિર્માણ થઈ શકે છે.’

જિતેન્દ્ર શાહે વધુમાં કહ્યું કે ‘સૌથી અગત્યનું એ છે કે અમે નારાયણ રાણે સમક્ષ પુનરુચ્ચાર કર્યો હતો કે જે વેપારીઓ ઉદ્યમ નોંધણી ધરાવતા હોય (પ્લાન્ટ/મશીનરીમાં રોકાણ કર્યા વિના કે ઉત્પાદક અથવા સેવા પ્રદાતા) એવા ઉત્પાદકો અને સેવા પ્રદાતાઓને લઘુ ઉદ્યોગને મળતા તમામ લાભ મળવા જોઈએ અને તેમના પર ધિરાણના કોઈ પ્રતિબંધિ ન હોવા જોઈએ.’

નારાયણ રાણે ખૂબ જ સકારાત્મક હતા એ વિશષ માહિતી આપતાં ફામના ડિરેક્ટર જનરલ પ્રીતેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સાથે વાતચીત થયા પછી નારાયણ રાણેએ તરત જ તેમના સચિવને કહ્યું કે આ બાબતમાં તપાસ કરી અને ફામ તરફથી કરવામાં આવેલી દરખાસ્તોને નિયમના અમલીકરણ પહેલાં અભ્યાસ કરવા માટે ફામના આવેદનપત્રને સંબંધિત વિભાગને મોકલીને નાના વેપારીઓ અને સમગ્ર વેપારી સમુદાયના કલ્યાણ માટે જરૂરી પગલાં લે. તેમના સકારાત્મક વલણથી એવું લાગે છે કે સરકાર નવા નિયમને ચોક્કસ મુલતવી રાખીને એનો પુનઃ અભ્યાસ કરીને અમલમાં મૂકશે.’

indian government mumbai mumbai news