કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાતથી શરૂ થવી જોઈતી હતી : પ્રશાંત કિશોર

21 September, 2022 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોરે મંગળવારે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાત અથવા તો અન્ય કોઈ પણ ભાજપશાસિત રાજ્યમાંથી શરૂ થવી જોઈતી હતી.

પ્રશાંત કિશોર

મુંબઈ (પી.ટી.આઇ.) : રાજકીય નિષ્ણાત પ્રશાંત કિશોરે મંગળવારે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસની ભારત જોડો યાત્રા ગુજરાત અથવા તો અન્ય કોઈ પણ ભાજપશાસિત રાજ્યમાંથી શરૂ થવી જોઈતી હતી.
એક કાર્યક્રમ દરમિયાન તેઓ અલગ વિદર્ભ રાજ્યની માગણીનું સમર્થન કરતા સ્થાનિક આગેવાનો અને ઍક્ટિવિસ્ટ્સને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસે એની ભારત જોડો યાત્રા ગુજરાત કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવાં ભાજપશાસિત રાજ્યમાંથી શરૂ કરવી જોઈતી હતી. રાહુલ ગાંધીની આગેવાની હેઠળની યાત્રા તામિલનાડુથી શરૂ થઈ હતી.
વિદર્ભતરફી સમર્થકો સાથે વાત કરતાં તેમણે અલાયદા રાજ્યનું સપનું સાકાર કરવા માટે આ પ્રદેશના લોકોના સંગઠિત પ્રયાસ પર ભાર મૂક્યો હતો.
મહારાષ્ટ્રના પૂર્વીય પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો અપાવવા માટેની વ્યૂહરચના ઘડવા ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય આશિષ દેશમુખે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ‘આ આંદોલન કેન્દ્ર સુધી પહોંચવું જોઈએ. એનો રાષ્ટ્રીય પ્રભાવ હોવો જોઈએ. કૅમ્પેન સમાજમાંથી ઉદ્ભવવું જોઈએ.’

mumbai news congress