05 February, 2023 08:29 AM IST | Mumbai | Mehul Jethva
મુલુંડમાં લોકોના ઘરમાં આવતું ગંદું પાણી.
મુંબઈ : મુલુંડ-વેસ્ટમાં રહેતા ૧૫,૦૦૦ પરિવારોના ઘરે ૧૭ દિવસથી દૂષિત પાણી આવતું હોવાની પાલિકા પાસે ૧૦૦ લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. જોકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને થોડા સમય પહેલાં પાણી ઉકાળીને પીવાની અપીલ કરી હતી. પાલિકાના અધિકારીઓનું કહેવું છે કે હજી એક મહિનો મુલુંડમાં ખરાબ પાણી આવવાની શક્યતા છે એટલે મુલુંડમાં રહેતા લોકોએ પાણીને ઉકાળીને ઉપયોગમાં લેવું જરૂરી છે. મુલુંડને પાણી ભાંડુપ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આવે છે જે થાણેની ટનલમાંથી પસાર થાય છે. થાણેમાં ખોદવામાં આવેલા ગેરકાયદે બોરવેલે ટનલને નુકસાન પહોંચાડ્યું હોવાનું પાલિકાનું કહેવું છે. ગુંદવલીમાં એના સ્રોતમાંથી પાણી વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચે એની ખાતરી કરવા માટે પાલિકા પાઇપલાઇનનો ઉપયોગ કરી રહી છે જેનો ઉપયોગ મુલુંડને ફિલ્ટર કરેલું પાણી સપ્લાય કરવા માટે થતો હતો. એને કારણે એ વિસ્તારનાં ઘરોમાં ફિલ્ટર વગરનું પાણી આવી રહ્યું છે. મુલુંડ-વેસ્ટમાં ૧૫,૦૦૦થી વધુ ઘરોને ૧૭ દિવસથી કાદવવાળું પાણી મળી રહ્યું છે. તેમણે વધુ એક મહિનો પોતાના વપરાશ માટે પાણીને ઉકાળીને વાપરવાની સલાહ પાલિકાના અધિકારીઓ તરફથી આપવામાં આવી છે. ઘણા અસરગ્રસ્તોએ તેમની ફરિયાદ નોંધાવવા માટે સોશ્યલ મીડિયાનો સહારો લીધો છે અને પરિસ્થિતિની ગંભીરતાને દર્શાવવા માટે કાદવવાળા પાણીની તસવીરો પણ શૅર કરી છે. તેમણે ટી-વૉર્ડને ટૅગ કરીને પદાધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું છે. વીણાનગર, વૈશાલીનગર, સ્વપ્નનગરી, યોગી હિલ્સ અને તાંબેનગર ચેકનાકા, મુલુંડ કિસાનનગર વગેરે અસરગ્રસ્ત વિસ્તારોની યાદીમાં છે.
મુલુંડના ટી-વૉર્ડના વૉટર ડિપાર્ટમેન્ટના સિનિયર એન્જિનિયર લક્ષ્મીકાંત બોરશેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ટનલને રિપેર થવા માટે વધુ એક મહિનો લાગી શકે છે. અમારી પાસે ફરિયાદ કરવા આવતા લોકોને અમે પાણી ઉકાળીને ઉપયોગમાં લેવાની અપીલ કરીએ છીએ. અમે તમારા માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે તમામ લોકોએ પાણીને ઉકાળીને ઉપયોગમાં લેવું જેથી તેમને કોઈ તકલીફ ન થાય.’
મુલુંડને પાણી ભાંડુપ વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આવે છે જે થાણેની ટનલમાંથી પસાર થાય છે. થાણેમાં ખોદવામાં આવેલા ગેરકાયદે બોરવેલે ટનલને નુકસાન પહોંચાડ્યું હોવાનું પાલિકાનું કહેવું છે.
રહેવાસીઓનું શું કહેવું છે?
મુલુંડના વિવિધ ભાગોના રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમની ટાંકી હવે કાદવથી ભરેલી છે અને તેમના રસોડામાં તેમ જ બાથરૂમમાં ગંદું પાણી આવી રહ્યું છે.
મુલુંડના વીણાનગર વિસ્તારમાં રહેતા નીલેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં ૧૫ દિવસથી ગંદું પાણી આવી રહ્યું છે. એને કારણે અમારે રોજ પાણી ઉકાળીને પીવાની ફરજ પડી રહી છે.’
મુલુંડના વૈશાલીનગરમાં
રહેતા પ્રતેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં પાલિકાની ઑફિસ પર જઈને ફરિયાદ કરી ત્યારે તેમણે મને કહ્યું કે વધુ એક મહિના સુધી આવું જ પાણી આવશે. પરિવારના ઉપયોગ માટે હું દરરોજ ૨૦ લિટરના પાણીનું ગૅલન
મગાવું છું.’