મુંબઈની ઍર ક્વૉલિટીની ફરિયાદ બીએમસીને ઍપ દ્વારા કરી શકાશે

07 February, 2024 08:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટો શૅર કરી શકે અને ફરિયાદ પણ કરી શકે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની કથળતી જતી ઍર ક્વૉલિટીને લઈને કરાયેલી જનહિતની એક અરજી સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટે બીએમસીને એવો નિર્દેશ આપ્યો હતો કે ખરાબ ઍર ક્વૉલિટીની ફરિયાદ કરી શકાય એ માટે બીએમસી એક વેબ પૉર્ટલ, ઍપ્લિકેશન વિકસાવે જેથી કોઈ પણ મુંબઈગરો તેના વિસ્તારની ઍર ક્વૉલિટી બાબતે એના પર માહિતી મૂકી શકે, ફોટો શૅર કરી શકે અને ફરિયાદ પણ કરી શકે. હાઈ કોર્ટના એ આદેશના પગલે બીએમસીએ હવે Mumbai Air (મુંબઈ ઍર) ઍપ્લિકેશન તૈયાર કરી છે જે હાલ ઍન્ડ્રૉઇડ ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. ટૂંક સમયમાં અન્ય ઑપરેટિંગ પ્લૅટફૉર્મ પર પણ એ ઉપલબ્ધ થઈ શકશે.  

કોર્ટના નિર્દેશને ગંભીરતાથી લઈને બીએમસીના પર્યાવરણ વિભાગે લોકો સરળતાથી વાપરી શકે એવી ઍપ્લિકેશન તૈયાર કરી છે. મોબાઇલ ઍપ્લિકેશનથી ફરિયાદ કરી શકાશે અને બીએમસી દ્વારા એ ફરિયાદનું નિરાકારણ કરવા ડૅશ બોર્ડ પણ બનાવાયું હોવાની માહિતી પર્યાવરણ વિભાગના ઇન્ફર્મેશન કમિશનર મનીષ પિંપળેએ આપી છે.
ફરિયાદ કરતી વખતે ફરિયાદનું સ્વરૂપ, ફરિયાદની વિગતો, લોકેશન, રસ્તાનું નામ, વિભાગનું નામ, ફોટો એ બધું જ આપવાનું રહેશે. એટલું જ નહીં, ફરિયાદ કર્યા બાદ એના પર શું પગલાં લેવાયાં એ પણ ઍપ પર જોઈ શકાશે. 

mumbai news mumbai mumbai weather brihanmumbai municipal corporation