25 July, 2024 06:49 AM IST | Mumbai | Mehul Jethva
મિનેશ ઠક્કર, સાગર ઠક્કર
થાણે અને મુલુંડમાં રહેતા અનેક ગુજરાતી અને કચ્છીઓના કરોડો રૂપિયા લીધા બાદ છેતરપિંડી કરી હોવાના આરોપસર થાણે પોલીસની ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગ (EOW)એ મંગળવારે નૌપાડા પોલીસ-સ્ટેશનમાં મિનેશ ઠક્કર અને તેમના દીકરા સાગર ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે. ભૂમિ ગ્રુપ નામે ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા મિનેશ ઠક્કર અને સાગર સામે ફરિયાદ છે કે તેમણે નાગરિકો પાસેથી સતત પાંચ વર્ષ સુધી પૈસા લીધા હતા, જેની સામે તેમણે ઇન્ટરનૅશનલ અને ડોમેસ્ટિક ટૂર સ્પૉન્સર કરીને પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી ઇન્વેસ્ટમેન્ટની સંપૂર્ણ રકમ પાછી આપશે એવો વાયદો કર્યો હતો. જોકે રોકાણકારો પોતાના પૈસા પાછા લેવા ગયા હતા ત્યારે મિનેશ ઠક્કર પલાયન થઈ ગયા હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
આ મામલાની ફરિયાદ નોંધાવનારા લલિત જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભૂમિ ગ્રુપ નામની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ ગ્રુપ ચલાવતા મિનેશ ઠક્કરે વાયદો કર્યો હતો કે જો ૬૦ મહિના સુધી ૧૮,૫૦૦ રૂપિયા ભરવામાં આવશે તો દર વર્ષે એક વિદેશી ટૂર સ્પૉન્સર કરવામાં આવશે, એવી જ રીતે ૯૦૦૦ રૂપિયા ૬૦ મહિના ભરશો તો દર વર્ષે ભારતમાં એક ટૂર સ્પૉન્સર કરવામાં આવશે અને ૬૦ મહિના પૂરા થયા બાદ તમામ રકમ પાછી આપવામાં આવશે. મેં મિનેશ ચંદ્રકાંત ઠક્કરની આ સ્કીમમાં ૨૮,૧૪,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેનું રીફન્ડ મને એપ્રિલ મહિનામાં મળવાનું હતું. દરમ્યાન સાગરે અમને મોબાઇલ પર જાણ કરી હતી કે તેના પિતા મિનેશ ઠક્કર ગુમ થઈ ગયા છે. અમે સાગર ઠક્કરને અમારા પૈસા પાછા આપવા કહ્યું ત્યારે તેણે અમને ટાળવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, તેની પાસેથી પૈસા વિશે કોઈ ચોક્કસ જવાબો પણ મળ્યા નહોતા. અંતે મેં વધુ તપાસ કરી ત્યારે મને જાણ થઈ કે આશરે ૧૦૦ જેટલા અન્ય રોકાણકારોએ આ સ્કીમમાં પોતાનાં નાણાં રોક્યાં હતાં જેમને પણ પૈસા પાછા મળ્યા નથી. આથી મેં નૌપાડા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે.’
મિનેશ ઠક્કર અને સાગરે કરોડો રૂપિયા લીધા બાદ પાછા ન આપ્યા હોવાની કેટલીક ફરિયાદો અમને મળી હતી એમ જણાવતાં થાણે ખંડણી વિરોધી સેલના પોલીસ ઇન્સ્પેક્ટર વિજયકુમાર રાઠોડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી સામે આવ્યા બાદ અમે આ કેસમાં ૨૫ કરતાં વધારે લોકોનાં સ્ટેટમેન્ટ લીધાં હતાં જેમાં કરોડો રૂપિયા બન્નેએ લીધા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. જોકે હવે આ કેસની આગળની તપાસ EOW કરી રહી છે.’
ખંડણી વિરોધી પથકે સૌથી પહેલાં આ કેસમાં છેતરપિંડીનો ભોગ બનનારા લોકોનાં સ્ટેટમેન્ટ નોંધ્યાં હતાં. એને આધારે ઇકૉનોમિક ઑફેન્સિસ વિંગે (EOW) વધુ તપાસ કરીને મંગળવારે રાત્રે થાણેના નૌપાડા પોલીસને પિતા-પુત્ર સામે ગુનો નોંધવા કહ્યું હતું જેમાં લલિત જૈન ફરિયાદી છે. હવે આ કેસની વિગતવાર તપાસ EOW કરી રહી છે.