10 June, 2024 07:05 AM IST | Mumbai | Mehul Jethva
પૂર્વા હૉલિડેઝના તેજસ શાહ
પૂર્વા હૉલિડેઝના તેજસ શાહ સામે છેતરપિંડીની ફરિયાદો વધતી જાય છે
દહિસર-ઈસ્ટમાં એન. એલ. કૉમ્પ્લેક્સના યુધિષ્ઠિર બિલ્ડિંગમાં પૂર્વા હૉલિડેઝના નામે ટ્રાવેલ એજન્સી ચલાવતા ૩૨ વર્ષના તેજસ શાહે મુંબઈ સહિત નાશિકમાં રહેતા સાત ગુજરાતીઓ પાસેથી વિદેશની ટૂરના નામે કુલ ૭૪,૧૪,૫૦૦ રૂપિયા લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ મુંબઈમાં દહિસર, કાંદિવલી, સમતાનગર, વડાલા ટીટી, મુલુંડ અને મલબાર હિલ પોલીસ-સ્ટેશન સહિત નાશિકનાં સરકાર વાડા પોલીસ-સ્ટેશનોમાં નોંધાઈ છે. તેજસે એક ટૂરના પૂરા પૈસા ભરીને બીજી ટૂર પર ૫૦ ટકા ડિસ્કાઉન્ટ મેળવો, એક ટૂર પર બીજી ટૂર ફ્રી મેળવો જેવી લોભામણી લાલચો આપીને પૈસા પડાવ્યા હોવાનો આરોપ ફરિયાદીઓએ કર્યો છે. તેજસની દહિસર પોલીસ-સ્ટેશને ધરપકડ કર્યા બાદ તેનો અલગ-અલગ પોલીસ-સ્ટેશનો દ્વારા તાબો લેવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. તેની સામે છેલ્લી ફરિયાદ મુલુંડમાં શુક્રવારે નોંધાઈ હતી. હવે મુલુંડ પોલીસે તેનો તાબો મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ કેસમાં દહિસર પોલીસે તેજસની ધરપકડ કર્યા બાદ અત્યાર સુધી કાંદિવલી, સમતા નગર અને મલબાર હિલ પોલીસ આરોપીનો તાબો લઈ ચૂકી છે.
પહેલી ફરિયાદ : બોરીવલીમાં માગાથાણે મેટ્રો સ્ટેશન નજીક રહેતાં ૬૫ વર્ષનાં ગીતા પારેખ પાસેથી તેજસ શાહે ૨૦૨૩ની પાંચમી સપ્ટેમ્બરે ૨૦૨૪ની ૭ જાન્યુઆરીએ ન્યુ ઝીલૅન્ડ જનારી ટૂર માટે ૮,૩૩,૦૦૦ રૂપિયા લીધા હોવાની ફરિયાદ છે. જોકે પ્રવાસના ચાર દિવસ પહેલાં સુધી તેણે ટૂરની ટિકિટો આપી નહોતી. છેલ્લા દિવસે ટૂર કૅન્સલ થઈ હોવાનું કહીને તેણે ૮,૩૩,૦૦૦ રૂપિયાના ચેક આપ્યા હતા. એમાંથી ૬,૩૩,૦૦૦ રૂપિયાના ચેક બાઉન્સ થતાં ગીતાબહેને બીજી એપ્રિલે દહિસર પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તેની બાવીસમી એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.
બીજી ફરિયાદ : નાશિકમાં નવી પંડિત કૉલોની નજીક રહેતાં ૬૬ વર્ષનાં રંજના શાહને તેજસે એક ટૂર બુક કરી બીજી ટૂરમાં ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ હોવાની ઑફર આપી હતી. ૨૦ માર્ચે જપાન જતી ટૂર માટે રંજનાબહેન પાસેથી ૨૦૨૪ની પહેલી જાન્યુઆરીએ તેજસે ૭,૯૨,૦૦૦ રૂપિયા લીધા હોવાની ફરિયાદ છે. પ્રવાસની તારીખ નજીક આવી ત્યારે તેજસે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં રંજના શાહે નાશિકનાં સરકાર વાડા પોલીસ-સ્ટેશનમાં ૨૦૨૪ની ૨૩ એપ્રિલે પૈસા લઈને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
ત્રીજી ફરિયાદ : કાંદિવલી-વેસ્ટમાં બાટાના શોરૂમ નજીક રહેતા ૪૬ વર્ષના જેસલ શાહ પાસેથી ૨૦૨૩ની ૧૨ ડિસેમ્બરે તેજસ શાહે માર્ચ ૨૦૨૪માં આઉથ આફ્રિકા જતી ટૂર માટે ૨૦,૪૧,૫૦૦ રૂપિયા લીધા હોવાની ફરિયાદ છે. પ્રવાસની તારીખ નજીક આવ્યા છતાં તેજસે ટૂરની ટિકિટો કે પછી વીઝા આપ્યા નહોતા. તેની પાસે પૈસા માગવામાં આવ્યા ત્યારે અલગ-અલગ કારણો આપીને પૈસા પણ પાછા આપ્યા નહોતા. અંતે કાંદિવલી પોલીસે તેજસની સામે ૨૦૨૪ની બીજી મેએ પૈસા લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધી હતી.
ચોથી ફરિયાદ : નેપિયન સી રોડ પર રહેતા ૩૨ વર્ષના વિવેક શાહે પૂર્વા હૉલિડેઝની જાહેરાત જોઈ હતી. એમાં ન્યુ ઝીલૅન્ડની ટૂર પર અમેરિકાની ટૂર ફ્રી હોવાનું લખવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિવેક શાહે આઠ લોકોની ન્યુ ઝીલૅન્ડની ટૂર માટે ૨૭,૭૬,૦૦૦ રૂપિયા ૧૪ જુલાઈએ આપ્યા હોવાની ફરિયાદ છે. આ ટૂર ઑક્ટોબરમાં જવાની હતી. ઑક્ટોબરમાં તેની પાસે ટૂરની વિગતો માગી ત્યારે તેણે કહ્યું હતું કે ન્યુ ઝીલૅન્ડમાંથી તમારા વીઝા રદ થયા છે એમ કહીને તેણે તમામ રકમના ચેક પાછા આપ્યા હતા. જોકે પાછળથી ચેક બાઉન્સ થયા હતા. અંતે મલબાર હિલ પોલીસ-સ્ટેશનમાં તેજસ શાહ સામે ૨૦૨૪ની બીજી મેએ પૈસા લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
પાંચમી ફરિયાદ : કાંદિવલી-વેસ્ટમાં રહેતા ૩૦ વર્ષના રિષભ શાહ પાસેથી ૨૦૨૪ની બીજી એપ્રિલે દક્ષિણ આફ્રિકાની ટૂર માટે તેજસ શાહે ૪,૭૦,૦૦૦ રૂપિયા લીધા હોવાની ફરિયાદ છે. આ ટૂર ૨૦૨૪ની બીજી મેએ જવાની હતી. જોકે ટૂરની તારીખ નજીક આવતાં તેજસે પોતાનો ફોન બંધ કરી દીધો હતો અને તેની ઑફિસ પર તાળાં લાગેલાં જોવા મળ્યાં હતાં એટલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં ૨૦૨૪ની ૩ મેએ સમતાનગર પોલીસ-સ્ટેશનમાં પૈસા લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
છઠી ફરિયાદ : વડાલા-ઈસ્ટમાં રહેતાં હર્ષા મહેતા પાસેથી મેઘાલય જતી મે મહિનાની ટૂર માટે જાન્યુઆરીમાં એક લાખ રૂપિયા તેજસે લીધા હોવાની ફરિયાદ છે. ત્યાર બાદ ટૂરની માર્ચ મહિનામાં વધુ માહિતી માટે તેજસનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેનો ફોન બંધ આવ્યો હતો. અંતે વધુ તપાસ કરતાં તેણે બીજા લોકો પાસેથી પૈસા લીધા બાદ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હોવાનું સમજાતાં હર્ષાબહેને ૧૪ મેએ તેજસ સામે વડાલા ટીટી પોલીસ-સ્ટેશનમાં પૈસા લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
સાતમી ફરિયાદ : મુલુંડ-વેસ્ટમાં સર્વોદયનગરમાં રહેતા સંજય શાહ પાસેથી ન્યુ ઝીલૅન્ડની ટૂરના પૂરા પૈસા ભરવાથી અમેરિકાની બીજી ટૂર માટે ૫૦ ટકા ડિસ્કાઉન્ટ હોવાનું કહીને ગયા વર્ષે ૨૫ ઑક્ટોબરે તેજસે ૫,૫૦,૫૦૦ રૂપિયા લીધા હોવાની ફરિયાદ છે. આ ટૂર ૨૫ જાન્યુઆરીએ જવાની હતી. જોકે એ પહેલાં ૨૩ જાન્યુઆરીએ તેજસને ફોન કરીને વધુ માહિતી લેવાનો પ્રયાસ કરતાં તેણે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. જોકે એ સમયે તેમણે ફૅમિલી ટ્રિપ બુક કરી હોવાથી તેઓ બીજી ટિકિટ લઈને ન્યુ ઝીલૅન્ડ ગયા હતા. ત્યાંથી પાછા આવ્યા બાદ તેજસ પાસે પોતાના પૈસા માગતાં તેણે ચેક આપ્યો હતો. એ ચેક પાછળથી બાઉન્સ ગયો હતો. અંતે સંજય શાહે ૭ જૂને તેજસ સામે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં પૈસા લીધા બાદ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.