23 September, 2023 09:38 AM IST | Mumbai | Priti Khuman Thakur
લાલબાગચા રાજાના પંડાલમાં નાસભાગ થઈ હોવાથી ભક્તોના હાલ ખરાબ થયા હતા. સતેજ શિંદ
મુંબઈ : મુંબઈના માનતાના ગણપતિ તરીકે પ્રખ્યાત લાલબાગચા રાજાનાં દર્શને મુંબઈના જ નહીં; ગુજરાત, હૈદરાબાદ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના લોકો પણ આવે છે ત્યારે ભીડને કારણે નાસભાગ અને સ્ટૅમ્પેડ થતાં રહી ગયું હતું. આ ઘટનાનો વિડિયો સતત વાઇરલ થઈ રહ્યો હોવાથી સ્થાનિક પોલીસે પણ આ બાબતે સાવેચતીનાં પગલાં લેવાનું અને મંડળના કાર્યકરોને શિસ્તબદ્ધ રીતે ભાવિકોની લાઇન મૅનેજ કરવા જણાવ્યું છે. ભીડમાં મહિલાઓ અને નાનાં બાળકોની સુરક્ષા સામે પ્રશ્ન ઊભો થતાં વિડિયો વાઇરલ થવાની સાથે લોકો પણ પોતાની સાથે થયેલા કડવા અનુભવો સોશ્યલ મીડિયામાં શૅર કરી રહ્યા છે. એથી મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં ચૂક હોવાથી બૉમ્બે હાઈ કોર્ટના ઍડ્વોકેટે ફરિયાદ નોંધાવી છે.
‘લાલબાગચા રાજા’ના પંડાલમાં અસહાય બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથે પ્રતિદિન બની રહેલી ઘટનાઓ વિશે બૉમ્બે હાઈ કોર્ટના ઍડ્વોકેટ આશિષ રાય અને પંકજ મિશ્રા દ્વારા મુંબઈના પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજ્ય પ્રશાસન, મુંબઈ પોલીસ પ્રશાસન અને સ્થાનિક પંડાલના સંચાલકો દ્વારા ભક્તો સાથે અમાનવીય વર્તન અને બંધારણીય સુરક્ષાવ્યવસ્થામાં બેદરકારીને કારણે બિનજવાબદાર મૅનેજમેન્ટ વલણ જોવા મળ્યું છે.
બૉમ્બે હાઈ કોર્ટના ઍડ્વોકેટ આશિષ રાયે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ગણપતિ બેસાડ્યા એ પહેલા દિવસથી જ વિડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં ભક્તોના કેવા હાલ થઈ રહ્યા એ દેખાઈ આવે છે. ફરિયાદમાં માગણી કરવામાં આવી છે કે બંધારણના સમાનતાના અધિકારની કલમ ૧૪ હેઠળ અતિ વિશિષ્ટ મહેમાનો અને સામાન્ય દર્શનાર્થીઓ વચ્ચે કોઈ પણ ભેદભાવ કર્યા વગર મહારાષ્ટ્ર રાજ્યના પોલીસ પ્રશાસન દ્વારા સમાનરૂપથી સુરક્ષાવ્યવસ્થા પૂરી પાડવામાં આવે. લાલબાગચા રાજાનાં દર્શન દરમિયાન કોઈ ખાસ મહેમાન અથવા વ્યક્તિના આગમન પર સામાન્ય દર્શનાર્થીઓ કોઈ પણ અવરોધ વગર દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અસહાય બાળકો, મહિલાઓ અને વૃદ્ધ દંપતીઓ માટે બંધારણની કલમ ૨૧ હેઠળ સુરક્ષા અને સુવિધાઓની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ભવિષ્યમાં પંડાલમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને આવી કોઈ ઘટના બને એ પહેલાં રોકી શકાય.
ઍડ્વોકેટ આશિષ રાયે કહ્યું હતું કે ‘બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સાથે સંસ્થાના સંચાલક અને અન્ય કાર્યકર્તાઓ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોગ અને દુર્વ્યવહાર અથવા છેડતીની ફરિયાદ તાત્કાલિક નોંધવા માટે પંડાલમાં વિશેષ પોલીસ-બંદોબસ્ત ગોઠવવો જોઈએ અને માર્ગદર્શન માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. બાળકો, મહિલાઓ અને
વૃદ્ધોના આગમન અને પ્રસ્થાન દરમિયાન વિશેષ વ્યવસ્થા હેઠળ સુવિધાઓ પૂરી પાડવી જોઈએ.’