13 January, 2023 09:49 AM IST | Mumbai | Rajendra B Aklekar
વિલે પાર્લે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર સ્ટૉલ્સની ભરમારને લીધે પ્રવાસીઓને પડે છે અગવડ
વિલે પાર્લે સ્ટેશન પરના એક વ્યસ્ત રહેતા પ્લૅટફૉર્મ પર વચ્ચોવચ સ્ટૉલ્સ, બિનઉપયોગી રૂમ્સ અને પૅસેન્જર્સ માટેની સુવિધાઓ એટલા મોટા પાયે ખડકી દેવાઈ છે કે પ્રવાસીઓ માટે ટ્રેન પકડવી મુશ્કેલ બની ગયું છે.
એક નિયમિત પ્રવાસી હસમુખ ગાલાએ કહ્યું હતું કે ‘પ્લૅટફૉર્મ ત્રણ અને ચારનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એ એક આઇલૅન્ડ પ્લૅટફૉર્મ છે. અર્થાત્ એની બન્ને બાજુએ રેલ રહે છે. પ્લૅટફૉર્મની વચ્ચે સ્ટૉલ્સ, કૅબિન્સ, વપરાશ વિનાની રૂમ્સ અને પૅસેન્જર માટેની સુવિધાઓને કારણે બીજી તરફ જવું પણ અઘરું બન્યું છે. પ્લૅટફૉર્મ પર શું બની રહ્યું છે અને શું બિનઉપયોગી છે એ જોવાની કોઈ તસ્દી લેતું નથી. તેઓ બસ ઉમેરો કર્યે રાખે છે. એને કારણે આ સ્ટેશન પીક-અવર્સમાં જોખમી બની રહે છે.’
‘મિડ-ડે’ને જાણવા મળ્યું હતું કે સ્ટેશન માસ્ટર અને ટીસીની કૅબિનોની બાજુમાં ચાર કૅન્ટીન આવેલી છે (જેમાંથી એક વપરાશ વિનાની છે), ખરાબ હાલત ધરાવતાં ત્રણ વૉટર ફિલ્ટર, બ્રિજ લૅન્ડિંગ, પિલર, સર્કિટ રૂમ્સ અને ખાલીખમ કૅબિનો આવેલી છે જેને કારણે પ્લૅટફૉર્મમાં એક બાજુએથી બીજી બાજુએ જવા માટે જગ્યા નથી બચી. આટલું ઓછું હોય એમ સ્ટેશન પર અત્યારે સીડી કે એસ્કેલેટરનું કામ ચાલી રહ્યું છે.
નૅશનલ ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય શૈલેશ ગોયલે જણાવ્યું હતું કે ‘સમસ્યા એ છે કે તમામ આઇલૅન્ડ પ્લૅટફૉર્મ્સની ચકાસણી કરીને બિનજરૂરી બાંધકામ દૂર કરવાં જરૂરી છે. પ્લૅટફૉર્મ્સ પર વપરાતી ન હોય એવી સુવિધાઓ તથા રૂમ્સને દૂર કરીને જગ્યા કરી શકાય છે.’
વેસ્ટર્ન રેલવેએ આ મામલે ધ્યાન આપવાની ખાતરી આપી હતી. વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ મૅનેજર સુમીત ઠાકુરે કહ્યું હતું કે વેસ્ટર્ન રેલવે સર્વે કરીને બિનઉપયોગી બાંધકામો હટાવશે.