02 October, 2023 10:00 AM IST | Mumbai | Rajendra B Aklekar
દિવા ખાતેનો વિરોધ
સેન્ટ્રલ રેલવે તરફથી પનવેલ પાસે એક ટ્રેન ખડી પડ્યા પછી સ્પષ્ટ કમ્યુનિકેશન અને સમયસર મદદ ન મળવાને લીધે રવિવારે દિવા સ્ટેશન પર મુસાફરો દ્વારા રેલરોકો વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રોટેસ્ટને કારણે લગભગ એક કલાક સુધી મેઇન લાઇન પરનો ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.
ટ્રેન ડીરેલમેન્ટની ઘટના બાદ રેલવે તરફથી મૅનેજમેન્ટમાં નિષ્ફળતા, અપૂરતી માહિતી તેમ જ જરૂરી મદદના અભાવે મુસાફરો રોષે ભરાયા હતા. શનિવારે બપોરે ૩.૦૫ વાગ્યાની આસપાસ પનવેલ રેલવે સ્ટેશન યાર્ડમાં એક ટ્રેન ડીરેલ થઈ હતી, જેને કારણે મુસાફરો ખોરાક અને પાણી વિના રઝળી પડ્યા હતા. આ ઘટના બાદ રવિવારે સવારે દિવા સ્ટેશન પર મુસાફરો દ્વારા વિરોધ શરૂ થયો હતો. કોંકણ રેલવે અને સેન્ટ્રલ રેલવે બન્ને લાઇન પર ટ્રેનો સતત ઊભી હોવાથી અધિકારીઓ સર્વિસિસ ક્યારે સામાન્ય થશે એનો જવાબ આપી શક્યા નહોતા.
રેલવે કાર્યકર આદેશ ભગતે જણાવ્યું હતું કે ‘રેલવેએ અસરગ્રસ્ત મુસાફરો સાથે પારદર્શક સંચાર જાળવવો જોઈએ. દિવા ખાતેનો આજનો વિરોધ એટલા માટે થયો કે આ સમગ્ર ઘટના વિશે રેલવે તંત્ર સ્પષ્ટતા અને કમ્યુનિકેશન પૂરું પાડવામાં નિષ્ફળ ગયું હતું.’
એક પૅસેન્જરે જણાવ્યું હતું કે ‘ટ્રેન ૧૬ કલાકથી વધુ સમય માટે ઊભી રહી ગઈ હતી. રિઝર્વ્ડ ક્લાસમાં લોકો બારીઓ તો ખોલી શકતા હતા, પણ એસી ક્લાસના પૅસેન્જરોને એસી, પાણી અને ખોરાક વિના મુશ્કેલી વેઠવી પડી હતી. અધિકારીઓએ કહ્યું હતું કે બે કલાકમાં સેવા શરૂ થશે, પણ હવે ૧૬ કલાકથી વધુ સમય થઈ ગયો છે એટલે જ અમે તમામ ટ્રેનોને રોકવાનો નિર્ણય લીધો છે.’
એની સામે રેલવે ઑથોરિટીએ જણાવ્યું હતું કે ‘દિવા ખાતે ૧૨૧૩૩ એક્સપ્રેસના મુસાફરોના વિરોધને કારણે રવિવારે ટ્રેનસેવાઓ ૪૫ મિનિટ સુધી પ્રભાવિત થઈ હતી. વિરોધ સમાપ્ત થયા બાદ સવારે ૯.૫૦ વાગ્યે મેઇન લાઇન પરનો ટ્રાફિક ફરી શરૂ કરવામાં આવ્યો હતો.’
દિવા ખાતેનો વિરોધ એટલા માટે થયો કે આ સમગ્ર ઘટના વિશે રેલવે તંત્ર સ્પષ્ટતા અને કમ્યુનિકેશન પૂરું પાડવામાં નિષ્ફળ ગયું હતું. : આદેશ ભગત, કાર્યકર