29 March, 2023 09:42 AM IST | Mumbai | Mehul Jethva
ઘટનામાં ઈજા પામેલો પ્રમોદ વાડેકર
ચાલતી લોકલ ટ્રેનમાં વિકલાંગ વ્યક્તિને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ શનિવારે રાતે સીએસએમટી અને કલ્યાણ વચ્ચેની લોકલ ટ્રેનમાં થયો હતો. વિકલાંગ વ્યક્તિ પોતાની સીટ પર બેઠી હતી ત્યારે એક યુવક ગેટ પાસે બેસીને નશો કરતો હતો. તેને જોઈને વિકલાંગ વ્યક્તિએ ટિપ્પણી કરી એથી રોષે ભરાયેલા યુવકે પોતાના ખિસ્સામાં રહેલું નશા માટેનું સૉલ્યુશન રૂમાલમાં મૂકી એને લાઇટરથી સળગાવીને એ રૂમાલ વિકલાંગ વ્યક્તિ પર ફેંક્યો હતો, જેમાં વિકલાંગ વ્યક્તિનો હાથ દાઝી ગયો હતો. તેને કેઈએમ હૉસ્પિટલ લઈ જવાયો હતો. થાણેની રેલવે પોલીસે અન્ય વિકલાંગ લોકોનાં સ્ટેટમેન્ટ નોંધીને ફરિયાદ રજિસ્ટર કરીને યુવકની ધરપકડ કરી હતી.
કલ્યાણમાં રહેતો પ્રમોદ વાડેકર શારીરિક રીતે અક્ષમ છે. તે શનિવારે રાતે લોકલ ટ્રેનમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ જઈ રહ્યો હતો. એ દરમ્યાન નશો કરનાર એક યુવક પ્રમોદે નશો કરવા બદલ ટિપ્પણી કરતાં ભડક્યો હતો. એ પછી ટ્રેન કળવા-મુમ્બ્રા સ્ટેશન વચ્ચે ઊભી હતી ત્યારે ગેટ પાસે ઊભેલા યુવકે ખિસ્સામાંથી નશામાં ઉપયોગમાં લેવાતું રસાયણ રૂમાલમાં કાઢ્યું હતું અને એને લાઇટરથી સળગાવીને એ રૂમાલ પ્રમોદ પર ફેંક્યો હતો, જેમાં પ્રમોદનો હાથ દાઝી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પ્રમોદને કળવાની છત્રપતિ શિવાજી મહારાજ હૉસ્પિટલ લઈ જવાયો હતો. એ પછી તેને કેઈએમ હૉસ્પિટલ લઈ જવાયો હતો.
થાણે રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પંઢરીનાથ ખાધેનો ‘મિડ-ડે’એ ફોન અને મેસેજ દ્વારા સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમની કોઈ પ્રતિક્રિયા મળી નહોતી. થાણે રેલવે પોલીસ સ્ટેશનના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની અમે ધરપકડ કરી છે. તેની ઉંમર ૧૮ વર્ષની અંદર છે એટલે અમે તેનું નામ જાહેર નથી કરી શકતા. આરોપીના ખિસ્સામાં નશા માટેનું સૉલ્યુશન હતું જે તેણે લાઇટરથી સળગાવીને ફરિયાદી પર ફેંક્યું હતું. એમાં ફરિયાદીનો એક હાથ દાઝી ગયો હતો.’