અમદાવાદમાં મુંબઈના ૮ સહિત ૩૫ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનો પ્રારંભ

19 April, 2024 07:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

૧૧ વર્ષના બાળકથી લઈને ૫૬ વર્ષના મુમુક્ષુ : ૨૨ એપ્રિલે દીક્ષા

શોભાયાત્રામાં ગજરાજ પર સવાર થઈને મુમુક્ષુઓ અધ્યાત્મનગરી પહોંચ્યા હતા.

મુંબઈ રહેતા આઠ મુમુક્ષુઓ સાથે કુલ ૩૫ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવનો ગઈ કાલથી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલી અધ્યાત્મનગરીમાં આધ્યાત્મિકતા અને દિવ્યતાના માહોલમાં પ્રારંભ થયો હતો. આચાર્ય વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજના હસ્તે ૨૨ એપ્રિલે ૧૧ વર્ષના બાળકથી લઈને ૫૬ વર્ષના પ્રૌઢ સુધીના ૩૫ મુમુક્ષુઓ દીક્ષા લેશે.

અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓની શોભાયાત્રા નીકળી હતી, જેમાં ૧૨ ગજરાજ પર મુમુક્ષુઓ બેઠા હતા. ઢોલ-નગારાં અને નૃત્યમંડળીઓનાં નૃત્ય અને સૂરતાલ સાથે શોભાયાત્રા અધ્યાત્મનગરી પહોંચી હતી; જ્યાં ૧૫ આચાર્ય ભગવંતો, સાધુ-સાધ્વીજીઓ સાથે ૩૫ મુમુક્ષુઓનું ભાવસભર સામૈયું થયું હતું અને સૌએ મંગળમય વાતાવરણમાં નગરીમાં પ્રવેશ કર્યો હતો.

આ દીક્ષા મહોત્સવમાં મુંબઈ રહેતા આઠ મુમુક્ષુઓ દીક્ષા લેશે; જેમાં પતિ-પત્ની, ત્રણ યુવતીઓ, એક યુવાન, એક કિશોર અને એક બાળકનો સમાવેશ છે. મુંબઈના કાપડના વેપારી ૫૬ વર્ષના જશવંત શાહ અને તેમનાં શ્રાવિકા દીપિકાબહેન દીક્ષા ગ્રહણ કરશે. માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવતી મુંબઈની હિનલ જૈન ઉપરાંત મુંબઈના વિદિત મહેતા, ૧૪ વર્ષના હિતજ્ઞ સંઘવી, ૧૨ વર્ષના માન્ય શાહ, રુચિ અંગારા અને રિદ્ધ‌િ શાહ પણ દીક્ષા ગ્રહણ કરશે.

૧૫ આચાર્ય ભગવંતો અને ૪૦૦ જેટલાં સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં યોજાનારા પાંચ દિવસના દીક્ષા મહોત્સવમાં મુંબઈના ૮ ઉપરાંત અમદાવાદના ૯, સુરતના ૧૨, હાલોલના ૩, ભાભરના બે અને રાયપુરના એક મુમુક્ષુનો સમાવેશ છે.

jain community gujarati community news gujaratis of mumbai mumbai ahmedabad gujarat news