કૉન્સર્ટની ટિકિટોનું બ્લૅકમાર્કેટિંગ રોકવા બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી

22 October, 2024 12:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવાનોમાં લોકપ્રિય એવા બ્રિટિશ બૅન્ડ ‘કોલ્ડપ્લે’ની ટિકિટો બ્લૅકમાર્કેટમાં વેચાઈ હતી અને એ બાબતે ફરિયાદ થવાથી તપાસ પણ કરવામાં આવી હતી.

બૉમ્બે હાઈ કોર્ટ

નવી મુંબઈમાં જાન્યુઆરીમાં યોજાનારા યુવાનોમાં લોકપ્રિય એવા બ્રિટિશ બૅન્ડ ‘કોલ્ડપ્લે’ની ટિકિટો બ્લૅકમાર્કેટમાં વેચાઈ હતી અને એ બાબતે ફરિયાદ થવાથી તપાસ પણ કરવામાં આવી હતી. હવે આ પ્રકારના બ્લૅકમાર્કેટિંગને રોકવા માટે બૉમ્બે હાઈ કોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી છે. ઍડ્વોકેટ અમિત વ્યાસ દ્વારા કરાયેલી જનહિતની અરજીમાં કહેવાયું છે કે ‘કૉન્સર્ટ અને લાઇવ શો જેવી મેગા ઇવેન્ટની ટિકિટોના ઑનલાઇન વેચાણમાં ઘણાબધા નિયમોનો ભંગ કરવામાં આવે છે અને ઘણી ગેરકાયદે પદ્ધતિઓ અપનાવાય છે. ગયા મહિને ‘કોલ્ડપ્લે’ની ટિકિટોનું બુકમાયશો પર વેચાણ થયું ત્યારે આવા ઘણાબધા ​નિયમ ભંગ થયા હતા અને ગેરરીતિઓ સામે આવી હતી. હજી પણ કેટલીક સેકન્ડરી વેબસાઇટો છે જે ‘કોલ્ડપ્લે’ની ટિકિટો બહુ ઊંચા ભાવે વેચી રહી છે. આવી જ રીતે ગેરરીતિઓ સાથે ટિકિટોનું વેચાણ થતું હોય એવું આ પહેલાં ઇન્ડિયન ​પ્રીમિયર લીગ (IPL), ૨૦૨૩માં થયેલી ક્રિકેટની વર્લ્ડ કપની મૅચો વખતે અને અમેરિકન સિંગર ટેલર સ્વિફ્ટ અને દલજિત દોસાંઝની કૉન્સર્ટ વખતે જોવા મળ્યું હતું.’ 

શું થયું હતું?

ગયા મહિને ‘કોલ્ડપ્લે’ની ટિકિટોનું બુકમાયશો દ્વારા ઑનલાઇન વેચાણ કરવામાં આવ્યું ત્યારે થોડી જ મિનિટોમાં એના ત્રણે શો ફુલ થઈ ગયા હતા અને ટિકિટોનું વેચાણ બંધ કરી દેવાયું હતું તથા ટિકિટ લેવા માગતા લોકોને લૉગઆઉટ કરી દેવાયા હતા. જોકે એ પછી સેકન્ડરી વેબસાઇટ પર એ જ શોની ટિકિટો ઊંચા ભાવે વેચાઈ રહી હતી. એથી આ બદલ કરાયેલી જનહિતની અરજી અર્જન્ટ ગણી એના પર સુનાવણી કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. 

coldplay navi mumbai bombay high court taylor swift diljit dosanjh ipl 2023 news mumbai mumbai news