એક યુનિયનને જોઈએ છે ભાવવધારો, બીજાની માગણી છે ૪૦ ટકા સબસિડીની

26 November, 2024 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

CNGના ભાવમાં કિલોએ બે રૂપિયાનો વધારો થયા બાદ બે રિક્ષા યુનિયનોએ કરી અલગ-અલગ ડિમાન્ડ

રિક્ષા અને ટૅક્સીચાલકોને CNGના ભાવમાં ૪૦ ટકા સબસિડી આપવાની માગણી કરી છે

વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની જાહેરાતના એક દિવસ પહેલાં મહાનગર ગૅસ લિમિટેડે કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)નો ભાવ ૭૫ રૂપિયે કિલોથી વધારીને ૭૭ રૂપિયા કર્યો છે જેને પરિણામે મુંબઈના એક રિક્ષા યુનિયને રાજ્યના પરિવહન વિભાગને પત્ર લખીને CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ બે રૂપિયાના વધારાને સરભર કરવા માટે રિક્ષાના મિનિમમ ભાડામાં ત્રણ રૂપિયા વધારો કરવાની માગણી કરી છે, જ્યારે બીજા યુનિયને દર વખતે CNGના ભાવમાં ભાવવધારાની સામે ભાડાવધારાની માગણી કરવાને બદલે રિક્ષા અને ટૅક્સીચાલકોને CNGના ભાવમાં ૪૦ ટકા સબસિડી આપવાની માગણી કરી છે જેનાથી રિક્ષા-ટેક્સી-ડ્રાઇવરો અને તેમના ગ્રાહકોને ભાવવધારાની ઝંઝટમાંથી છુટકારો મળી શકે.

અમે પહેલાંથી જ ભાડાવધારાની જરૂરિયાત બાબતે વિવિધ સરકારી સત્તાવાળાઓને અમારી રજૂઆત મોકલી છે એમ જણાવતાં ઑટોરિક્ષા યુનિયનના નેતા થમ્પી કુરિયને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ગણતરી મુજબ રિક્ષાના મૂળ ભાડામાં ત્રણ રૂપિયાનો વધારો કરવો જરૂરી છે. મુંબઈ મેટ્રોપૉલિટન રીજનમાં ચાર લાખથી વધુ ઑટોરિક્ષા છે જેમાંથી ૨,૬૦,૦૦૦ ઑટો ઈસ્ટર્ન અને વેસ્ટર્ન સબર્બ્સમાં ચાલે છે. ઑટોના ભાડામાં છેલ્લે ઑક્ટોબર ૨૦૨૨માં ૨૧ રૂપિયાથી વધારો કરીને ૨૩ રૂપિયા કરવામાં આવ્યો હતો. હવે ગૅસના ભાવમાં કિલોએ બે રૂપિયાના વધારાને સરભર કરવા માટે ૨૩ રૂપિયાના મૂળ ભાવને ૨૬ રૂપિયા કરવાની અમે માગણી કરી છે, જેથી રિક્ષા-ડ્રાઇવરો CNGના ભાવના વધારાની અસરને ઝીલી શકે.’

જોકે રિક્ષા અને ટૅક્સીમેન્સ યુનિયનના નેતા શશાંક રાવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘CNGના ભાવમાં અવારનવાર વધારો થતો રહે છે જેની સામે હંમેશાં રિક્ષા કે ટૅક્સીના મિનિમમ ભાડામાં વધારો કરવાથી ગ્રાહકોમાં નારાજગી પ્રવર્તે છે. ભાવવધારાની માથાકૂટમાંથી બહાર આવવા માટેનો સૌથી સારો વિકલ્પ છે સરકારે રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને CNGના ભાવમાં ૪૦ ટકાની સબસિડી આપવી. આ સંદર્ભમાં અમે અત્યાર સુધીમાં અનેક પત્રો લખી ચૂક્યા છીએ, અમારી ઘણા લાંબા સમયથી માગણી છે. જો સરકાર આ માગણી સ્વીકારી લે તો ભાડા વધારવાની ઝંઝટમાંથી છુટકારો મળી જશે.’

mumbai mumbai news news mumbai transport maharashtra state road transport corporation