20 November, 2023 12:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
થાણેમાં લતા મંગેશકરની સ્મૃતિમાં બંધાનારા ભારત રત્ન લતા મંગેશકર સંગીત વિદ્યાલયના ભૂમિપૂજનના અવસરે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકોને સંબાધતાં કહ્યું હતું કે હાલ રાજ્યના રાજકારણનો સૂર બેસૂરો ચાલી રહ્યો છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે થાણેમાં આ ઉપરાંત અન્ય લોકોપયોગી પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. લોકોને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘લોકોએ લતા મંગેશકર એરા જોયો છે જ્યારે તેઓ પોતાનાં મધુર ગીતોથી લોકોને મુગ્ધ કરી દેતાં હતાં. ઘણા યુગ હોય છે જેમાં આ એક કળિયુગ છે અને એમાં આપણને લતા યુગ માણવા મળ્યો એ દેશનું ગૌરવ છે. તેમણે ગાયેલાં ગીતોએ અનેક લોકોની જિંદગી બનાવી દીધી છે. તેમના નામનું આ જે વિદ્યાલય બની રહ્યું છે એથી તેમની સ્મૃતિ જળવાઈ રહશે અને તેમનો વારસો આગળની પેઢીને મળી શકશે.’
રાજ્યના હાલના રાજકારણ બાબતે ટિપ્પણી કરતાં તેમણે કહ્યું હતું કે ‘રોજ સવાર પડે ને કોઈ એક કાગડો આખો દિવસ કા...કા... કર્યે રાખે છે અને આખું વાતાવરણ ખરાબ કરી નાખે છે. હાલ રાજ્યના રાજકારણમાં બધું બેસૂરું ચાલી રહ્યું છે.’
આ ઉપરાંત તેમણે મુંબઈમાં જે રીતે ઍર પૉલ્યુશન ખાળવા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવે છે એ રીતે થાણેમાં પણ રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે એવો આદેશ આપ્યો હતો. એ સિવાય તેમણે થાણેના કૂવાઓને સાફ કરવા રાજ્ય સરકાર તરફથી ૫૦ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.