26 September, 2024 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
બદલાપુરની સ્કૂલની બે માસૂમ બાળકીઓનું શારીરિક શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા અક્ષય શિંદેના એન્કાઉન્ટર વિશે વિરોધ પક્ષો પોલીસની ભૂમિકા પર શંકા કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે મુંબઈમાં એક અંગ્રેજી ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પોલીસની કાર્યવાહી યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘આરોપી અક્ષય શિંદેએ ફાયરિંગ કરતાં સ્વરક્ષણ માટે પોલીસે કરેલા ગોળીબારમાં અક્ષયનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં આરોપી પલાયન થઈ ગયો હોત તો વિરોધીઓ કહેત કે પોલીસે ભાગી રહેલા આરોપીને શૂટ કેમ ન કર્યો? પોલીસ પાસેની ગન માત્ર શોપીસ છે? આ ઘટનામાં પોલીસને ગોળી વાગી છે. આથી આપણે પોલીસને સપોર્ટ આપવો જોઈએ. એન્કાઉન્ટરમાં જીવ ગુમાવનારા અક્ષય શિંદેએ ચાર લગ્ન કર્યાં હતાં અને બધી પત્ની બાદમાં પિયર જતી રહી હતી. એક પત્નીએ તો પોલીસમાં અક્ષય શિંદે સામે અકુદરતી સેક્સ કરવા માટે ફરિયાદ નોંધાવીને તેને રાક્ષસ કહ્યો છે. કલ્પના કરો કે તે વ્યક્તિ કેટલી ક્રૂર હશે. અક્ષયે તેની પુત્રીઓની વયની બે બાળકીઓનું સ્કૂલમાં શારીરિક શોષણ કર્યું હતું. આ માસૂમ બાળકીઓની કેવી હાલત થઈ હશે? આ એક અત્યંત દુઃખદ ઘટના છે.’
બદલાપુરની ઘટના બાદ વિરોધ પક્ષો દંભનું રાજકારણ રમી રહ્યા છે એમ કહેતાં મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે ‘વિરોધ પક્ષોએ બદલાપુર રેલવે-સ્ટેશન પર નવ કલાક બ્લૉક કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એ સમયે તેમણે આરોપીને ફાંસી આપવાની માગણી કરી હતી. હવે જ્યારે આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે ત્યારે સરકારને દોષી ગણાવી રહ્યા છે. આ દંભનું રાજકારણ છે. મહારાષ્ટ્રની જનતા સમજે છે કે કોણ ગંદું રાજકારણ રમી રહ્યું છે. જનતા આગામી વિધાનસભાની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપશે.’