15 August, 2024 08:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવને હવે ત્રણ જ અઠવાડિયાં બાકી છે ત્યારે મુંબઈ અને થાણે સહિત રાજ્યભરમાં રસ્તામાં પડેલા ખાડા આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ભરવાનો નિર્દેશ ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો હતો. વરસાદને લીધે રસ્તાઓની ખરાબ હાલત અને ગણેશોત્સવ સંબંધી સ્થિતિ જાણવા અને ચર્ચા કરવા માટે ગઈ કાલે સાંજે ચાર વાગ્યે સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે નાયબ મુખ્ય અજિત પવાર સહિત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક થઈ હતી. આ બેઠક બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ગણેશોત્સવ નજીક છે ત્યારે ચોમાસાને લીધે રસ્તામાં પડેલા ખાડા તાત્કાલિક ધોરણે આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ભરવાનો નિર્દેશ સંબંધિતોને આપવામાં આવ્યો છે. ગણેશોત્સવની ઉજવણી ઇકો-ફ્રેન્ડ્લી કરવામાં આવે, મુંબઈ સહિત રાજ્યભરનાં શહેરોમાં ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મોટા પ્રમાણમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવે એવી સૂચના આપી છે. ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો મુંબઈ કે બીજાં શહેરોમાંથી તેમના વતન જાય છે ત્યારે તેમને ટોલમાં માફી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તહેવારમાં ભક્તોની સુવિધા માટે અને કોઈ ગરબડ થાય તો તાત્કાલિક પહોંચી વળવા માટે હેલ્થ ટીમ, ઍમ્બ્યુલન્સ અને ફાયર-બ્રિગેડની ગાડીઓ મોટા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પાસે તહેનાત કરવામાં આવશે.