પેમેન્ટના નવા નિયમને તાત્કાલિક રોકીને એનો તબક્કાવાર અમલ કરો

06 February, 2024 07:48 AM IST  |  Mumbai | Rohit Parikh

ધ ક્લો​ધિંગ મૅન્યુફૅક્ચરિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ નાણાપ્રધાનને કરી વિનંતી

નિર્મલા સીતારમણ

ધ ક્લો​ધિંગ મૅન્યુફૅક્ચરિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ ફાઇનૅન્સ મિનિસ્ટરને એક પત્ર લખીને પેમેન્ટ માટે કેન્દ્ર સરકારે તૈયાર કરેલા નવા ૪૩(બી) એચના નિયમના અમલીકરણને ત્રણ વર્ષ માટે મુલતવી રાખીને એને ચરણબદ્ધ રીતે લાગુ કરવામાં આવે એવી વિનંતી કરી છે. અસોસિએશન કહે છે કે સરકાર આ નિયમના અમલીકરણમાં જો ઉતાવળ કરશે તો એનાથી નાના અને મધ્યમ ઉત્પાદકોના વ્યવસાય પર પ્રતિકૂળ પ્રભાવ પડી શકે છે. આ કાયદો વેપારીઓના હિતમાં હોવા છતાં સરકારે એને ચરણબદ્ધ રીતે અમલમાં મૂકવાની જરૂર છે.

કેન્દ્ર સરકારે આકારણી વર્ષ ૨૦૨૪-’૨૫ માટે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જે હેઠળ ખરીદદારોએ એમએસએમઈ (માઇક્રો, સ્મૉલ ઍન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ) પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના ૪૫ દિવસની અંદર ચુકવણી કરવી પડશે અને ૩૧ માર્ચ ૨૦૨૪ પહેલાં એમએસએમઈને તમામ બાકી ચુકવણી કરવી પડશે, જે નિષ્ફળ જશે તો પેન્ડિંગ પેમેન્ટ થશે. આ નિયમથી ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ્સના બિઝનેસ પર ખૂબ જ મોટી અસર પડશે એવું ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારીઓ કહી રહ્યા છે. વેપારીઓ કહે છે કે આનાથી તેમને મોટો ટૅક્સ ચૂકવવો પડશે, જે તેમના કૅશ-ફ્લો પર અસર કરશે. એનાથી સપ્લાયરને પેમેન્ટ ચૂકવવામાં વધુ વિલંબ થશે. અમારા વ્યવસાયમાં ૧૨૦ દિવસનો ક્રેડિટ સમયગાળો છે તેથી એમએસએમઈને ૪૫ દિવસની અંદરની ચુકવણી કરવી મુશ્કેલ અને અવ્યવહારુ બનશે.

અમે સરકારના આભારી છીએ કે તેમણે આ માળખાકીય અવરોધને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે એના ખૂબ જ વિશ્વસનીય હેતુઓ હોવા છતાં અમે માનપૂર્વક માનીએ છીએ કે સરકારે સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગ અને ખાસ કરીને સ્થાનિક ગાર્મેન્ટ ઉદ્યોગની કેટલીક જમીની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લીધી નથી એવી માહિતી આપતાં ધ ક્લોધિંગ મૅન્યુફૅક્ચરિંગ અસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ રાજેશ માસંદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ગઈ કાલે કેન્દ્રનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણને પત્ર લખીને અમારી તકલીફોની જાણકારી આપી હતી. અમે તેમને કહ્યું છે કે અમારા ઉદ્યોગમાં સામાન્ય ક્રેડિટ સમયગાળો ૯૦થી ૧૨૦ દિવસનો હોય છે જે ઘણી વખત ૧૮૦ દિવસ સુધી લંબાય છે. એના પર વર્ષોથી નાના-મોટા વેપારીઓ નિર્ભર છે. આવા સંજોગોમાં ધિરાણ-માળખામાં સુધારો કરવા અને ધિરાણનો સમયગાળો ઘટાડીને ૪૫ દિવસ સુધી લાવવાના અચાનક પગલાથી આપત્તિ, પતન આવી શકે છે અને સેંકડો નાના એકમો પણ બંધ થઈ જશે. શ્રેષ્ઠ ઇરાદાઓ સાથેના સાચા અને ઈમાનદાર ખરીદદારોને પણ રાતોરાત તેમના બિઝનેસ મૉડલને ૪૫ દિવસના ઘટાડેલા ક્રેડિટ સમયગાળામાં ફેરવવાનું અશક્ય લાગશે. તેઓ અનરજિસ્ટર્ડ ઉત્પાદકો અથવા વેપારીઓ અને જથ્થાબંધ વિક્રેતાઓ પાસેથી ખરીદવાનું પસંદ કરશે જેઓ કલમ ૪૩ (બી)(એચ) હેઠળ આવરી લેવામાં આવ્યા નથી.’

આવા સમયમાં અમે સુધારાની પ્રશંસા કરીને નિર્મલા સીતારમણને વિનંતી કરી છે કે આ સુધારાના અમલીકરણને તાત્કા​લિક રોકવામાં આવે અને એને ચરણબદ્ધ રીતે અમલમાં મૂકવામાં આવે એમ જણાવતાં રાજેશ માસંદે કહ્યું હતું કે ‘અમે તેમને કહ્યું છે કે તમે ક્રેડિટના સમયગાળાનું ત્રણ વર્ષમાં વિભાજન કરીને ઘટાડો કરો. એમાં ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં મહત્તમ ૯૦ દિવસનો સમયગાળો, ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં મહત્તમ ૬૦ દિવસનો સમયગાળો અને ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં મહત્તમ ૪૫ દિવસનો સમયગાળો કરવામાં આવે તેમ જ આ સુધારાના દાયરામાંથી એક ઉત્પાદક સભ્ય પાસેથી બીજા ઉત્પાદક સભ્યને ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવે. અમે દૃઢપણે માનીએ છીએ કે આ ભલામણોનો અમલ કરવાથી સેક્ટરની સરળ કામગીરીમાં ખલેલ પહોંચાડ્યા વિના સરકારનો એકંદર ઉદ્દેશ પૂર્ણ થશે. અમે તેમને અમારી ભલામણ પર પુનઃવિચારણા કરીને વેપારીઓને વિશ્વાસમાં લઈને અમલમાં મૂકવા કહ્યું છે, જેનાથી આજે ઉદ્યોગમાં પ્રવર્તી રહેલાં ગભરાટ અને મૂંઝવણની વર્તમાન સ્થિતિને શાંત કરી શકાશે. અમે તેમને આ નિયમમાં યોગ્ય ફેરફારોની તાકીદે જાહેરાત કરવા વિનંતી કરી છે.’

mumbai news mumbai finance ministry nirmala sitharaman