16 December, 2022 10:21 AM IST | Mumbai | Prajakta Kasale
કોવિડના નિયમો હળવા થયા એ પહેલાં આ વર્ષે જાન્યુઆરીમાં ક્લીન-અપ માર્શલ્સ નાગરિકોને માસ્ક ન પહેરવા બદલ દંડ કરી રહ્યા છે.
બીએમસી ક્લીન-અપ માર્શલ્સની દરખાસ્ત પર વિચારણા કરી રહ્યું છે એ જોતાં ક્લીન-અપ માર્શલ્સ ફરી પાછા રસ્તાઓ પર ઊતરી શકે છે. સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ બાબતની દરખાસ્ત આવી છે, પરંતુ હજી સુધી કંઈ નક્કી નથી થયું. જો ક્લીન-અપ માર્શલ્સની નિમણૂક કરાશે તો તેમની જવાબદારી શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવાની રહેશે. તેઓ શહેરમાં ગંદકી ફેલાવનારા અને જ્યાં-ત્યાં થૂંકનારા નાગરિકોને દંડ ફટકારશે.’
અગાઉ કોવિડ-૧૯ મહામારી દરમ્યાન ક્લીન-અપ માર્શલ્સ વિરુદ્ધ અનેક ફરિયાદો મળવા છતાં સુધરાઈ તેમની નિમણૂક વિશે વિચારી રહી છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો નવા માર્શલ્સની નિમણૂક કરવામાં આવશે તો તેમની પાસે અગાઉ મહામારીના સમયે હતી એવી જ લોકોને દંડ કરવાની સત્તા હશે.
અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘દરખાસ્ત મુજબ સુધરાઈ ૨૪ વૉર્ડમાં ૨૪ કૉન્ટ્રૅક્ટર નીમવા વિશે વિચારી રહી છે. પ્રત્યેક વૉર્ડમાં ૩૦ ક્લીન-અપ માર્શલ્સ હશે.’
જોકે ક્લીન-અપ માર્શલ્સ વિશે મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને બીએમસી તેમની શૈક્ષણિક લાયકાત ચકાસશે તથા પાત્રતાનાં ધોરણોમાં ૧૦મું કે ૧૨મું પાસ કરેલા ઉમેદવારોને જ પ્રાથમિકતા આપશે. આ ઉપરાંત સુધરાઈ માર્શલની નિમણૂક કરતાં પહેલાં પોલીસનાં ચારિત્ર્ય ચકાસણી પ્રમાણપત્રો પણ વિચારી શકે છે.
રશ્મિ જાધવ નામની દહિસરની રહેવાસી મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘શહેરને સ્વચ્છ રાખવા તેમ જ લોકોને રસ્તા પર થૂંકતા અટકાવવા માટે એક સિસ્ટમ હોવી જરૂરી છે, પરંતુ એના માટે દંડ ફટકારવો એ યોગ્ય નથી. આનાથી ભ્રષ્ટાચાર અને હેરાનગતિ વધી શકે છે. અધિકારીઓએ લોકોમાં જાગરૂકતા ફેલાવવા વિશે વિચારવું જોઈએ.’
બીએમસીએ સૌપ્રથમ ૨૦૦૬માં અને ત્યાર બાદ ૨૦૧૬માં ક્લીન-અપ માર્શલ્સની નિમણૂક કરી હતી. ત્યાર બાદ વાર્ષિક ધોરણે કૉન્ટ્રૅક્ટ રિન્યુ કરવામાં આવતો હતો. માર્શલ્સને લોકોને થૂંકવા, કચરો કરવા કે નાખવા, ખુલ્લામાં શૌચ કરવા, પાળેલા પ્રાણીનો મળ વગેરે ન ઉપાડવા બદલ ૧૦૦ રૂપિયાથી માંડીને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ કરવાની સત્તા આપવામાં આવી હતી.
૨૦૨૦માં કોવિડ મહામારી પછી માર્શલ્સને ફરજિયાત માસ્ક પહેરવાના આદેશનું પાલન થાય એનું ધ્યાન રાખવા જણાવાયું હતું અને માસ્ક ન પહેરનારા લોકો પાસેથી ૨૦૦ રૂપિયાનો દંડ કરવાની સત્તા આપવામાં આવી હતી. માર્ચ ૨૦૨૨માં મહામારીને કારણે મૂકવામાં આવેલા પ્રતિબંધો હળવા કરાયા તેમ જ માસ્ક ફરજિયાત પહેરવાનો આદેશ ઉઠાવી લેવાયા બાદ તેમની સેવાઓ રદ કરવામાં આવી હતી. આ બે વર્ષ દરમ્યાન માર્શલ્સે ૩૫ લાખ નાગરિકોને દંડ કરીને ૮૦ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. માર્શલ્સે કથિત રીતે બળજબરીથી પૈસા વસૂલવા માટે મુંબઈગરાની ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે.
30
પ્રત્યેક વૉર્ડમાં આટલા ક્લીન-અપ માર્શલ્સ નીમવાની દરખાસ્ત છે