05 June, 2022 11:19 AM IST | Mumbai | Suraj Pandey
ફાઇલ તસવીર
કોરોનાનું જોખમ વધવા સાથે કેઈએમ હૉસ્પિટલ ઍન્ડ મેડિકલ કૉલેજે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. એક સર્ક્યુલર દ્વારા હૉસ્પિટલના અધિકારીઓએ હૉસ્પિટલ કૅમ્પસમાં માસ્ક ફરજિયાત કરવા ઉપરાંત ડૉક્ટર્સ, પૅરામેડિકલ સ્ટાફ, પેશન્ટ્સ અને તેમના સંબંધીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ પણ ઑપરેશન પહેલાં પેશન્ટની કોવિડની ટેસ્ટ પણ ફરજિયાત કરવામાં હોવાની જાણકારી આપી છે.
ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેરમાંથી મુંબઈગરાને માંડ રાહત મળી હતી, પરંતુ માત્ર ત્રણ જ મહિનામાં ફરી એક વાર કોરોનાએ માથું ઊંચકતાં કેસમાં વૃદ્ધિ નોંધાઈ રહી છે. શુક્રવારે શહેરમાં કોવિડના કુલ ૭૬૩ નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. કેસ વધવા સાથે જ રાજ્ય સરકારે ઍડ્વાઇઝરી જાહેર કરીને ઑડિટોરિયમ, હૉસ્પિટલ અને ઑફિસ જેવી બંધ જગ્યાઓએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું હતું.
કોવિડના પ્રસારમાં થતી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને કેઈએમ હૉસ્પિટલે પણ ડૉક્ટર્સ, પેશન્ટ્સ અને તેમના સંબંધીઓ માટે કૅમ્પસમાં પ્રવેશ કરતાં જ ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ ફરી લાગુ કર્યો છે.
કોરોનાની ત્રીજી લહેરમાં ડૉક્ટર્સ સંક્રમિત થતાં તેમને ફરજિયાત ક્વૉરન્ટીન થવાની ફરજ પડી હતી, જેને કારણે ફરજ પરના અન્ય ડૉક્ટર્સ પર કામનો બોજ વધી ગયો હોવાથી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય એ માટે ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.