નવી મુંબઈ ઍરપોર્ટ પાસે ગેરકાયદે ઊભી કરવામાં આવેલી દરગાહ આખરે CIDCOએ તોડી પાડી

22 November, 2024 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના અનેક કિલ્લાઓ પર આ રીતનાં ગેરકાયદે અતિક્રમણ થયાં છે એ પણ દૂર કરવા પ્રયાસ ચાલી રહ્યા છે

ગેરકાયદે ઊભી કરી દેવાયેલી દરગાહની આસપાસ અનેક સુવિધાઓ ઊભી કરી એક એકર જેટલા વિસ્તાર પર અતિક્રમણ કરવામાં આવ્યું હતું.

નવી મુંબઈના ઍરપોર્ટ પાસે પનવેલના પારગાવ પાસેની ટેકરી પર આવેલી CIDCOની જમીન પર ૨૦૧૨માં માત્ર ચાર પથ્થરને સફેદ રંગે રંગી એના પર લીલી ચાદર ઓઢાડી ગેરકાયદે ઊભી કરી દેવાયેલી દરગાહનો ગેરકાયદે વિસ્તાર થતો રહ્યો અને એક એકર જેટલી જમીન પર ફુવારા, પાણીની ટાંકી, ગેસ્ટહાઉસ, પા​ર્કિંગ લોટ બનાવાતાં ગયાં. ત્યાર બાદ આ સંદર્ભે હિન્દુ જન જાગૃતિ સમિતિ દ્વારા સિટી ઍન્ડ ઇન્ડ​સ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (CIDCO) અને સત્તાવાળાઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ગઈ કાલે CIDCOએ સ્થાનિક પ્રશાસન અને ભારે પોલીસ-બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે ઊભી કરવામાં આવેલી હઝરત ખ્વાજા પીર કરમ અલી દરગાહને તોડી પાડી હતી.

ગેરકાયદે ઊભી કરવામાં આવેલી અને ભવિષ્યમાં નવી મુંબઈ ઍરપોર્ટ માટે જોખમી બની શકે એવી આ દરગાહ સામે કાર્યવાહી કરી હટાવવા બાબતે હિન્દુ જન જાગૃતિ સમિતિ દ્વારા ૨૦૨૩માં પહેલી ફરિયાદ કરવામાં આવી હતી. ઑક્ટોબર ૨૦૨૪માં ફરી એક વાર આ સંદર્ભે ​CIDCOને ફરિયાદ કરી જાણ કરાઈ હતી. CIDCO દ્વારા અવારનવાર દરગાહના ટ્રસ્ટીઓને ગેરકાયદે અતિક્રમણ હટાવી લેવા નોટિસો અપાતી હોવાથી ટ્રસ્ટીઓ દ્વારા એની સામે કોર્ટમાં અરજી કરાઈ હતી. કોર્ટમાં તેમણે રજૂઆત કરતાં કહ્યું હતું કે એ દરગાહ આજકાલની નહીં, પણ ૨૦૦ વર્ષ જૂની છે અને એ ગેરકાયદે ઊભી કરી દેવાયેલી નથી. જોકે તેઓે તેમના એ દાવાને પુરવાર કરતા કોઈ પણ દસ્તાવેજો કે પુરાવા કોર્ટમાં સાદર ન કરી શકતાં કોર્ટે એ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આથી ગઈ કાલે CIDCOએ ભારે પોલીસ-બંદોબસ્ત સાથે આ ગેરકાયદે અતિક્રમણ કરીને ઊભી કરી દેવાયેલી દરગાહ તોડી પાડી હતી. આ કાર્યવાહી માટે લડત ચલાવનાર હિન્દુ જન જાગૃતિ સમિતિના રાજ્ય સંગઠક સુનીલ ઘનવટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નવી મુંબઈ ઍરપોર્ટ પાસેની પાકનેર હિલ પરની એ ગેરકાયદે દરગાહ CIDCO દ્વારા તોડી પડાઈ છે. મહારાષ્ટ્રના અનેક કિલ્લાઓ પર આ રીતનાં ગેરકાયદે અતિક્રમણ થયાં છે એ પણ દૂર કરવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ.’

mumbai news mumbai navi mumbai airport navi mumbai Crime News mumbai crime news