24 April, 2024 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વડાલાના મહર્ષિ કર્વે ગાર્ડનની ખુલ્લી ટાંકીમાં પડી જવાથી ચાર વર્ષના કરણ અને પાંચ વર્ષના અંકુશ કાવિઠિયાનાં મૃત્યુ થયાં હતાં એ કેસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ હવે બૉમ્બે હાઈ કોર્ટને કહ્યું છે કે આ કેસમાં તેઓ બાળકોના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું ઍડહૉક વળતર આપશે. જોકે આ વળતર એ ગાર્ડનની દેખરેખ રાખતો કૉન્ટ્રૅક્ટર ચૂકવશે.
વડાલા બ્રિજ પર રહેતા અને ઘરે-ઘરે ફરી કપડાંની સામે વાસણો આપવાની ફેરી કરતા મનોજ કાવિઠિયાના બે દીકરા અંકુશ અને કરણ ૧૭ એપ્રિલે બાજુમાં જ આવેલા મહર્ષિ કર્વે ગાર્ડનમાં મિત્રો સાથે રમવા ગયા ત્યારે ગાર્ડનમાં આવેલી ખુલ્લી ટાંકી જેના પર પ્લાસ્ટિકની પાતળી શીટ નાખી રાખી હતી એમાં પડીને મૃત્યુ પામ્યા હતા. બીજા દિવસે સવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ કેસની હાઈ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને સામે ચાલીને એને જનહિતની અરજીમાં ફેરવીને એના પર સુનાવણી કરવાનું ચાલુ કર્યું હતું. કોર્ટે BMCને ખખડાવતાં કહ્યું હતું કે ‘રેલવેમાં પણ જો માણસનું મૃત્યુ થાય છે તો રેલવે તરફથી વળતર આપવામાં આવે છે. તમારી બેદરકારીને કારણે જો કોઈનું મૃત્યુ થાય, જેમ કે આ કેસમાં થયું છે, તો તેને વળતર આપવાની કેમ કોઈ જોગવાઈ નથી?’