લાડકી બ​હિણ બાદ હવે લાડકા ભાઉ યોજના

18 July, 2024 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રમાં બારમું ધોરણ કે એનાથી વધુ ભણેલા ૧૮થી ૩૫ વર્ષના બેરોજગાર યુવકોને કામ આપીને ૬૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપશે સરકાર

ગઈ કાલે અષાઢી એકાદશી નિમિત્તે એકનાથ શિંદે અને તેમનાં પત્નીએ પંઢરપુરના શ્રી વિઠ્ઠલ રુક્મિણી મંદિરમાં દર્શન કર્યાં હતાં.

મહારાષ્ટ્ર સરકારે રાજ્યની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની આર્થિક સહાય કરવા માટે ‘મુખ્ય મંત્રી લાડકી બહિણ યોજના’ જાહેર કર્યા બાદ વિરોધ પક્ષોએ બેરોજગાર યુવાનો માટે કેમ કોઈ યોજના નથી એવો સવાલ કર્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે બારમું ધોરણ કે એનાથી વધુ ભણેલા રાજ્યના ૧૮થી ૩૫ વર્ષના બેરોજગાર યુવાનો માટે યુવા કાર્ય પ્રશિક્ષણ યોજના અંતર્ગત દર મહિને ૬૦૦૦થી ૧૦,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ યોજના વિશે કહ્યું હતું કે ‘અમારી સરકારે લાડકી બહિણ યોજના શરૂ કરી ત્યારે વિરોધીઓએ આપણી ટીકા કરી હતી. મારે તેમને કહેવું છે કે લાડકા ભાઉ તરફ પણ અમારું ધ્યાન છે. આથી અમે તેમના માટે યોજના લાવ્યા છીએ. ૧૨ ધોરણ ભણેલા યુવકને ૬૦૦૦ રૂપિયા, ડિપ્લોમા કરનારાને ૮૦૦૦ રૂપિયા અને ગ્રૅજ્યુએટ યુવકને ૧૦,૦૦૦ રૂપિયા દર મહિને આપવામાં આવશે. યુવક એક વર્ષ કોઈ ફૅક્ટરીમાં ઍપ્રેન્ટિસશિપ કરશે. એ પછી તેને કામ કરવાનો અનુભવ થશે એટલે એના આધારે નોકરી મળશે. આવી રીતે રાજ્યમાં એક પ્રકારે ​સ્કિલ્ડ મેનપાવર તૈયાર કરવામાં આવશે. રાજ્યની સાથે દેશભરના ઉદ્યોગમાં કુશળ યુવાનો પૂરા પાડવામાં આવશે. આપણા યુવાનો કામમાં કુશળ થાય એ માટે સરકાર રૂપિયા ભરશે. યુવકોને કુશળ બનાવવા માટેની આ પ્રકારની યોજના ઇતિહાસમાં પહેલી વખત લાવવામાં આવી છે. આ યોજનાથી બેરોજગારીનો ઉપાય શોધી કાઢવામાં આવ્યો છે. યોજનામાં આપણા યુવકો કારખાનામાં ઍપ્રેન્ટિસશિપ કરશે અને સરકાર તેમને સ્ટાઇપેન્ડ આપશે. આ યોજના માટે ૫૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.’ ઉલ્લેખનીય છે કે અત્યારે શિક્ષણ લઈ રહ્યા છે એવા યુવાનોને સરકારની આ યોજનાનો લાભ નહીં મળે.

mumbai news mumbai maharashtra news eknath shinde bharatiya janata party devendra fadnavis