26 June, 2024 09:12 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
અમિત શાહ અને એકનાથ શિંદેની ફાઇલ તસવીર.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે રવિવારે રાત્રે અચાનક દિલ્હી ગયા હતા અને તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું. મુખ્ય પ્રધાને મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણીમાં વિરોધ પક્ષો અને ખાસ કરીને ઉદ્ધવ ઠાકરેનો સામનો કરવા માટેની રણનીતિ બાબતે ચર્ચા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મુખ્ય પ્રધાનની આ મુલાકાત વખતે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને મહારાષ્ટ્ર BJPના સુકાની દેવેન્દ્ર ફડણવીસ હાજર નહોતા એટલે તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે કે કેમ એવી ચર્ચા ગઈ કાલે શરૂ થઈ હતી.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અમિત શાહ સાથે દોઢેક કલાક ચર્ચા કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ એકનાથ શિંદેએ લોકસભાની ચૂંટણીમાં પોતાનો રિપોર્ટ-કાર્ડ રજૂ કરીને ઉદ્ધવ ઠાકરેની સરખામણીમાં પોતાની કામગીરી કેવી રીતે સારી રહી એના આંકડા રજૂ કર્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિમાં બેઠકોની ફાળવણીનો નિર્ણય BJPના દિલ્હીના વરિષ્ઠ નેતાઓ દ્વારા જ લેવામાં આવશે. એકનાથ શિંદેએ આ જ કારણસર અમિત શાહને મળીને મહારાષ્ટ્રમાં તેમની સ્થિતિનો અંદાજ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં મહાયુતિ અને ખાસ કરીને BJPને ભારે નુકસાન થયું હતું. આથી ગયા અઠવાડિયે દિલ્હીમાં BJPની કોર કમિટીની બેઠકમાં મહારાષ્ટ્રના નિર્ણય એકલા દેવેન્દ્ર ફડણવીસ નહીં લે, પણ સામૂહિક રીતે લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પુણેમાં ગેરકાયદે પબ અને હોટેલ સામે કાર્યવાહી શરૂ કરવાની માહિતી આપી હતી, પરંતુ પત્રકારો દ્વારા દિલ્હીમાં એકનાથ શિંદેની અમિત શાહ સાથેની બેઠક વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે જવાબ નહોતો આપ્યો.