12 May, 2023 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હવે મહારાષ્ટ્રમાં કૅબિનેટના વિસ્તરણનો માર્ગ મોકળો થયો
મુંબઈ: એકનાથ શિંદે સરકારને હવે કોઈ જોખમ ન હોવાનું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જણાઈ આવ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ટૂંક સમયમાં પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવશે અને આ માટેની ફૉર્મ્યુલા પણ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૩૦ જૂને એકનાથ શિંદે સરકાર અસ્તિત્વમાં આવી હતી, પરંતુ મામલો સુપ્રીમ કોર્ટમાં અવલંબિત હતો એટલે પ્રધાનમંડળનું વિસ્તરણ ઘોંચમાં પડ્યું હતું. ૪૩ પ્રધાનમાંથી અત્યારે ૨૦ પ્રધાનો દ્વારા જ સરકારનું કામકાજ ચાલી રહ્યું છે. હવે બાકીના ૨૩ પ્રધાનની નિયુક્તિ કરવામાં આવશે.
એટલે રાજીનામું આપેલું
સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાથી કોર્ટ તેમને ફરીથી મુખ્ય પ્રધાન ન બનાવી શકે એવી નોંધ કરવામાં આવી છે. આ વિશે ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘કાયદેસર રીતે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવું એ ભૂલ હોઈ શકે, છે, પણ નૈતિકતાથી જોઈએ તો જે પક્ષને અને મારા પિતાએ ઘણું બધું આપ્યું છે એના પર હું વિશ્વાસ અને અવિશ્વાસ કેમ કરું? આવો વિચાર કરું તો મેં ક્યારેય રાજીનામું આપ્યું જ ન હોત અને ફરી મુખ્ય પ્રધાન બની શક્યો હોત. જો કે મારા માટે આ લડાઈ નથી. મારી લડાઈ રાજ્ય અને દેશ માટે છે. કોર્ટના ચુકાદામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકરની ભૂમિકા કાયદાકીય નહોતી આથી એકનાથ શિંદેને સત્તામાં રહેવાનો અધિકાર નથી. તેમણે તરત રાજીનામું આપી દેવું જોઈએ.’
ત્યારે નૈતિકતા ક્યાં ગઈ હતી?
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ અને વિધાનસભાના સ્પીકરની ભૂમિકા સામે ગંભીર નોંધ લઈને તેમની ઝાટકણી કાઢી છે. આથી ઉદ્ધવ ઠાકરેએ ચુકાદા બાદ કહ્યું હતું કે ‘એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદે રહેવાનો કોઈ અધિકાર નથી. મેં નૈતિકતાથી રાજીનામું આપ્યું હતું એટલે હવે આ સરકારે પણ રાજીનામું આપવું જોઈએ.’ આ વિશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરેએ નૈતિકાતાના આધારે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે. હું તેમને પૂછવા માગું છું કે બીજેપી સાથે ચૂંટણી લડ્યા બાદ એનસીપી અને કૉન્ગ્રેસ સાથે યુતિ કરીને સરકાર બનાવી ત્યારે તમારી નૈતિકતા ક્યાં ગઈ હતી? તમે અમને નૈતિકતા વિશે કંઈ ન કહો, કારણ કે ખુરસી માટે તમે વિચાર છોડ્યો. એકનાથ શિંદે સરકારમાં પ્રધાન હોવા છતાં તેમણે બાળાસાહેબના હિન્દુત્વના વિચાર ખાતર ખુરસી છોડી હતી. તેઓ સરકારમાં હતા અને તમારા વિરોધમાં આવ્યા હતા. તમારી સરકાર ટકી શકે એટલા વિધાનસભ્યો નહોતા એટલે વિધાનસભામાં ફ્લોર-ટેસ્ટમાં સરકાર પડી જવાના ડરથી અને ઇજ્જત બચાવવા માટે રાજીનામું આપ્યું હતું. આથી તેમણે અમને નૈતિકતા ન શીખવવી.’
રાજકીય વિવાદનો વિજય થયો
સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે કૉન્ગ્રેસના પ્રવક્તા અભિષેક મનુસિંઘવીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટનો ચુકાદો મહારાષ્ટ્રના રાજકીય વિવાદ અને બંધારણનો વિજય છે. કોર્ટે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો છે. એણે રાજ્યપાલના નિર્ણય યોગ્ય ન હોવાનું કહ્યું છે. વિધાનસભાના સ્પીકરના ખોટા વ્હિપનો પણ કોર્ટે ઉલ્લેખ કર્યો છે. કોઈ પણ રાજકીય પક્ષ માટે વ્હિપ ખૂબ જ મહત્ત્વનો હોય છે એટલે આ મામલે કોર્ટે સ્પીકરની આકરી ઝાટકણી કાઢી છે.’
લોકશાહી ટકાવવા વિરોધ પક્ષોએ સાથે કામ કરવું પડશે
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સત્તાસંઘર્ષનો ચુકાદો ગઈ કાલે આપ્યો ત્યારે કેન્દ્રમાં બીજેપીની આગેવાનીની સરકાર સામે પડકાર ઊભો કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ સંબંધે બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર ગઈ કાલે મુંબઈની મુલાકાતે આવ્યા હતા અને તેઓ શરદ પવાર ઉપરાંત ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. શરદ પવારે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી દીધો છે એમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું હતું એટલે કોર્ટ રાજ્યમાં અગાઉની સ્થિતિ ન લાવી શકે એમ કહ્યું છે. આ વાત પર હવે વધુ ચર્ચા કરવાની જરૂર નથી. મહારાષ્ટ્ર અને દેશમાં લોકશાહી ટકાવી રાખવા માટે તમામ વિરોધ પક્ષોએ એકત્રિત કામ કરવાની જરૂર છે.’
ચુકાદા પહેલાં જયંત પાટીલને ઈડીની નોટિસ
સુપ્રીમ કોર્ટમાં ગઈ કાલે બપોરે રાજ્યના સત્તાસંઘર્ષનો ચુકાદો આવ્યો એની પૂર્વસંધ્યાએ એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)ની નોટિસ મળી હતી. બુધવારે જયંત પાટીલની મૅરેજ ઍનિવર્સરી હતી ત્યારે જ તેમને નોટિસ મળી હતી. આ વિશે જયંત પાટીલે કહ્યું હતું કે ‘લગ્નની વરસગાંઠ હતી ત્યારે સાંજના ૬ વાગ્યે મને ઈડીએ નોટિસ મોકલી હતી. નોટિસમાં આઇએલએફએસ નામની કોઈક કંપની અને એ સંબંધી કોઈ મામલામાં મને સોમવારે ઈડીની ઑફિસમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. આ કંપની સાથે મારી કોઈ લેવાદેવા નથી. એની સાથે કોઈ વ્યવહાર પણ નથી કર્યો. આ કંપની પાસેથી કોઈ લોન પણ નથી લીધી. આમ છતાં મને નોટિસ મોકલવામાં આવી છે.’
પહેલાં કયો પક્ષ કાયદેસર એ નક્કી કરાશે
સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘વિધાનસભ્યોની અપાત્રતાનો નિર્ણય લેતાં પહેલાં કયો પક્ષ કાયદેસર છે અને એના પ્રમુખ કોણ છે એ નક્કી કરવામાં આવશે. બાદમાં જ પ્રતોદની નિયુક્તિ અને વિધાનસભ્યોની અપાત્રતના પ્રશ્નોનો ઉકેલ લવાશે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં અધિકૃત શિવસેના અને તત્કાલીન પક્ષપ્રમુખનો નિર્ણય પહેલાં લેવાનો મત વ્યક્ત કર્યો છે. ચુકાદા સંબંધે લોકોને ગેરસમજ થઈ રહી છે. કોર્ટના આદેશ મુજબ સૌથી પહેલાં કયો પક્ષ કાયદેસર છે અને એના પ્રમુખ કોણ છે એનો ઉકેલ લાવવામાં આવશે. જોકે બધા પક્ષકારોને પૂરતો સમય આપવામાં આવશે એટલે આ બધામાં સમય લાગશે. કોઈને અન્યાય ન થાય એના પર ધ્યાન રાખવામાં આવશે.’
જે શ્રેષ્ઠ લાગ્યું હતું એ નિર્ણય લીધો હતો ઃ ભગતસિંહ કોશ્યારી
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની આકરી ઝાટકાણી છે. તેમણે ખોટા નિર્ણયો લીધા હોવાનું નોંધ્યું છે. આ વિશે સવાલ કરવામાં આવતાં ભગતસિંહ કોશ્યારીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ વિશે કોઈ લૉ એક્સપર્ટ જ યોગ્ય જવાબ આપી શકશે. એ સમયની સ્થિતિમાં વિધાનસભાના કામકાજ બાબતે મને જે સૌથી શ્રેષ્ઠ લાગ્યું એ મુજબ નિર્ણય લીધો હતો. કોઈ મારી પાસે રાજીનામું મોકલી આપે તો હું તેમને આમ ન કરવાનું કહી શકું?’ ભગતસિંહ કોશ્યારીએ ત્રણ મહિના પહેલાં રાજ્યપાલપદેથી રાજીનામું આપ્યું હતું. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભગતસિંહ કોશ્યારીના નિર્ણય બાબતે કહ્યું હતું કે એ સમયે ઊભી થયેલી પરિસ્થિતિમાં તેમણે યોગ્ય નિર્ણય લીધો હતો.