31 August, 2024 07:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉમેશ પાટીલ, તાનાજી સાવંત
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય અને મહારાષ્ટ્ર સરકારના આરોગ્યપ્રધાન તાનાજી સાવંતે ગુરુવારે કહ્યું હતું કે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) સાથે આપણું જીવનભર જામ્યું નથી; હવે તેમની સાથે બેસવું પડે છે, પણ બહાર આવીને ઊલટી થાય છે. તાનાજી સાવંતના આ નિવેદન વિશે NCPના પ્રવક્તા ઉમેશ પાટીલે ગઈ કાલે કહ્યું હતું કે ‘આપણે સત્તા માટે લાચાર છીએ? એકનાથ શિંદે મુખ્ય પ્રધાન થયા, અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાન બન્યા અને આ સરકાર બની. સરકાર બન્યા બાદ તાનાજી સાવંત પ્રધાન બન્યા. આવી રીતે તાનાજી સાવંત કે બીજું કોઈ અમારા વિશે બોલશે તો અમે ચલાવી નહીં લઈએ. આથી મારા પક્ષના વરિષ્ઠ નેતાઓને વિનંતી છે કે આપણે સ્વાભિમાની છીએ, કોઈના ઘરે જમવા નથી જતા. તાનાજી સાવંતને સરકારમાંથી બહાર કાઢો નહીં તો અમારે સરકારમાંથી નીકળવું પડશે.’