જેલમાંથી સાક્ષીને ધમકી આપતા છોટા શકીલના સાગરીત વિરુદ્ધ વધુ એક ગુનો

21 November, 2023 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસે આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્‍‍ડ ક્રાઇમ ઍક્ટની જોગવાઈઓ લાગુ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે એક અધિકારીએ જણાવ્યું હતું કે ભાગેડુ છોટા શકીલના માણસ અને ખંડણીના કેસમાં જેલમાં બંધ રિયાઝ ભાટી વિરુદ્ધ જેલમાંથી સાક્ષીને ધમકી આપતો વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શકીલના સાળા સલીમ ફ્રૂટ અને અન્ય પાંચ વિરુદ્ધ ખંડણીના કેસમાં હાલ ભાટી જેલવાસ ભોગવી રહ્યો છે. મુંબઈ પોલીસે આ કેસમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્‍‍ડ ક્રાઇમ ઍક્ટની જોગવાઈઓ લાગુ કરી હતી. તમામ આરોપીઓ હાલમાં જુડિશ્યલ કસ્ટડીમાં છે. ગયા અઠવાડિયે ખાર પોલીસ દ્વારા ભાટી સામે નોંધવામાં આવેલા એફઆઇઆર મુજબ ૪૩ વર્ષના વેપારીએ આરોપ મૂક્યો હતો કે રાજેશ બજાજ નામનો એક વ્યક્તિ જેને તે છેલ્લાં ૧૦ વર્ષથી ઓળખે છે, તેને કોર્ટમાં તેના પક્ષમાં નિવેદન આપવા માટે ધમકી આપી હતી. વર્ષ ૨૦૨૧માં વેપારીના મિત્રએ ભાટી વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. ફરિયાદ મુજબ ભાટીએ તેની પત્નીનો પરિચય વેપારીના સહયોગી સાથે કરાવ્યો અને દાવો કર્યો હતો કે તે તેની મિત્ર છે. એફઆઇઆરમાં ઉલ્લેખ મુજબ ભાટીએ તેની પત્નીને પણ ધમકી આપી હતી અને તેને પૈસાની લાલચ આપીને વેપારી અને તેના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. 

chhota shakeel mumbai police mumbai mumbai news