21 December, 2022 10:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છોટા રાજન
મુંબઈ (પી.ટી.આઇ.) : અહીંની સેશન્સ કોર્ટે ૧૯૯૯માં દાઉદ ઇબ્રાહિમની ગૅન્ગના એક સાગરીતની હત્યાના કેસમાં ગૅન્ગસ્ટર છોટા રાજનને નિર્દોષ જાહેર કર્યો છે. અદાલતે ૧૭ ડિસેમ્બરે છોટા રાજનની ડિસ્ચાર્જની યાચિકા મંજૂર કરી હતી.
ફરિયાદ પક્ષના જણાવ્યા પ્રમાણે રાજનના માણસોએ બીજી સપ્ટેમ્બર ૧૯૯૯ના રોજ દાઉદ ગૅન્ગના અનિલ શર્માની ગોળી મારીને હત્યા કરી હતી. અનિલ ૧૨ સપ્ટેમ્બર ૧૯૯૨ના રોજ જે. જે. હૉસ્પિટલ ખાતે શૂટઆઉટ કરનારી ટોળકીમાં સામેલ હતો. દાઉદની ગૅન્ગે હરીફ ગૅન્ગના એક શખ્સની હત્યા કરવા આ ગોળીબાર કર્યો હતો.
દાઉદ અને છોટા રાજનની ગૅન્ગની અદાવતને કારણે અનિલ શર્મા માર્યો ગયો હોવાનો ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો.
આ પણ વાંચો:શું ભારત પર ફરી આતંકી હુમલો કરાવવાની તૈયારીમાં છે દાઉદ?, NIAએ ચાર્જશીટમાં કહ્યું આવું
જોકે જજે તેમના આદેશમાં નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષે બાતમીદાર (ફરિયાદી)એ કહેલા શબ્દો સિવાય અરજકર્તા (છોટા રાજન) વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કર્યા નથી. અદાલતે ઉમેર્યું હતું કે ‘અનિલ શર્માની હત્યા કરવા માટે અન્ય આરોપીઓ સાથે મળીને આ અરજીકર્તાએ કાવતરું ઘડ્યું હોય એવું સાબિત કરતો કોઈ પ્રથમદર્શી પુરાવો મોજૂદ નથી. આરોપો ઘડવા માટે પૂરતી સામગ્રી ન હોવાથી છોટા રાજન દોષમુક્ત થવા માટેની પાત્રતા ધરાવે છે.’