બિલ્ડર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગનારા છોટા રાજનની ગૅન્ગના પાંચ જણ પકડાયા

01 November, 2024 10:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિયલ એસ્ટેટ ડેવલપર અને તેના ભાગીદાર પાસે છોટા રાજન ગૅન્ગના પાંચ ગુંડાઓએ ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી.ડેવલપરે આ સંદર્ભે ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ (AEC)માં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

રિયલ એસ્ટેટ ડેવલપર અને તેના ભાગીદાર પાસે છોટા રાજન ગૅન્ગના પાંચ ગુંડાઓએ ૧૦ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. ડેવલપરે આ સંદર્ભે ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલ (AEC)માં ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવ્યું હતું અને એ ગુંડાઓ ખંડણીની રકમ લેવા આવ્યા ત્યારે તેમને બાંદરામાંથી ઝડપી લીધા હતા. 

છોટા રાજનના ગુંડાઓએ પહેલાં જ એ ડેવલપર પાસેથી પંચાવન લાખ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે પડાવ્યા હતા. જોકે એ પછી તેઓ ખંડણી માટે સતત ડેવલપર અને તેના પાર્ટનરને ફોન કરી રહ્યા હતા. એથી ડેવલપરે ફરિયાદ કરતાં પોલીસે છટકું ગોઠવીને ખંડણીની રકમ લેવા આવેલા છોટા રાજન ગૅન્ગના ૬૮ વર્ષના ગણેશરામ શોરાડી ઉર્ફે ડૅની, ૫૮ વર્ષના રેમી ફર્નાન્ડિસ, ૪૦ વર્ષના પ્રદીપ યાદવ, ૪૪ વર્ષના મનીષ ભારદ્વાજ અને ૪૩ વર્ષના શશી યાદવની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પાંચ લાખ રૂપિયાની કૅશ પણ જપ્ત કરવામાં આવી હતી. 

આ ખંડણી સંદર્ભે ભાંડુપ પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગણેશરામ રીઢો ગુનેગાર છે અને તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ ઍક્ટ જેવા ગંભીર ગુના આ પહેલાં પણ નોંધાયેલા છે. 

chhota rajan mumbai police bandra bhandup Crime News mumbai crime news police news mumbai mumbai news