છત્રપતિ શિવાજી મહારાજને રાજ્યાભિષેકના ૩૫૦મા વર્ષે અનોખી માનવંદના

17 November, 2023 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રજાસત્તાક દિવસે ૩૫૦ કિલ્લા પર એકસાથે ભગવો અને તિરંગો લહેરાશે

ફાઇલ તસવીર

ભારતના મહાન સપૂત એવા છત્રપતિ શિવાજી મહારાજને પ્રેરણાસ્થાને રાખીને તેમના ૩૫૦મા રાજ્યાભિષેક વર્ષની ઉજવણી આ વખતે હટકે થઈ રહી છે. અખિલ મહારાષ્ટ્ર ગિરિ આરોહણ મહાસંઘે માત્ર ટ્રેકર્સને જ નહીં, જાહેર જનતાને પણ આહવાન કર્યું છે કે ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મહારાજને માનવંદના આપતાં આપણે આ વર્ષે તેમના ૩૫૦ કિલ્લાઓ પર જઈ તેમની પ્રતિમાનું પૂજન કરીને ત્યાં ભગવો લહેરાવીએ અને સાથે જ આપણા દેશનો રાષ્ટ્રધ્વજ પણ ત્યાં લહેરાવીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ.

છત્રપતિ શિવાજી મહારાજે હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરી એમાં તેમની દૂરદૃષ્ટિ, માવળાઓનો સાથ, સહકાર, ત્યાગ અને બલિદાન જેવી અનેક બાબતોનો સમાવેશ થતો હતો. દરેક ગઢ-કિલ્લા સાથે છત્રપતિ શિવાજી મહારાજના પરાક્રમ સાથે તેમના શૌર્ય અને મુત્સદીગીરીને પણ ઉજાગર કરે છે. એથી તેમને માનવંદના આપવાના આશય સાથે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ રહી છે.

આ વિશે વધુ માહિતી આપતાં મહારાષ્ટ્ર માઉન્ટેનિયરિંગ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટરના કો-ઑર્ડિનેટર રાહુલ મેશરામે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે હાલમાં જ ઇન્ડિયન આર્મી સાથે મળીને આ રીતના એક પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, જેમાં ૭૫ ગઢ-કિલ્લાઓ પર માનવંદના અપાઈ હતી. જોકે હવે જનસામાન્ય પણ એ દેશપ્રેમની, દેશભક્તિની ભાવનાને સમજી શકે એ માટે આ આયોજન કર્યું છે. ગઢ-કિલ્લા એ કંઈ માત્ર ફરવા જવાનું સ્થળ નથી. એ દરેક કિલ્લા સાથે એનો ઇતિહાસ જોડાયેલો છે. મહારાજ અને તેમના માવળાઓએ લીધેલી મહેનત, ત્યાગ અને બલિદાન સંકળાયેલાં છે. એથી એ કિલ્લા પર જઈને મહારાજની પ્રતિમાનું પૂજન કરવાની સાથે જ ભગવો અને આપણા રાષ્ટ્રધ્વજને ફરકાવીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવાનું આયોજન છે. ઘણીબધી સંસ્થાઓ આ માટે આગળ આવી છે. અનેક ટ્રેકિંગ ગ્રુપ તથા ગિરિ આરોહણની સંસ્થાઓનો સહકાર અમને મળી રહ્યો છે. જોકે મોટી સંખ્યામાં લોકોના જોડાવાની સંભાવના હોવાથી એનું પ્રૉપર આયોજન થઈ શકે એ માટે અમે પૂર્વતૈયારીઓ શરૂ કરી દીધી છે. એક ઑનલાઇન ફૉર્મ અમે મૂક્યું છે જેમાં આ કાર્યક્રમમાં સહભાગી થનારાઓએ તેમની માહિતી મોકલવાની રહેશે. એને કારણે અમને એક્ઝૅક્ટલી કેટલા લોકો કયા કિલ્લા પર જવા માગે છે એ જાણવા મળશે, જેથી એ પ્રમાણે અમે અમારા વૉલન્ટિયર્સ અને કો-ઑર્ડિનેટરની એરેન્જમેન્ટ કરી શકીએ. આ કાર્યક્રમનું યોગ્ય રીતે આયોજન થાય એ બહુ જરૂરી છે. અનેક લોકો હોય છે જેમને ગઢ-કિલ્લાઓ પર જવાની ઇચ્છા હોય છે, પણ તેઓ શારીરિક સમસ્યાને કારણે એ ચડી નથી શકતા. તેઓ સમુદ્રી કિલ્લા કે પછી સામાન્ય જમીન પર આવેલા લો લેવલ કિલ્લા પર જઈ શકે છે. આમ મહારાજને માનવંદના આપવાનો આ કાર્યક્રમ અનોખી રીતે ઊજવાય એવો અમારો પ્રયત્ન છે. જે લોકો આમાં સહભાગી થવા માગતા હોય તેઓ https://forms.gle/ksUPB6p8xDcfCwAT6 આ ઑનલાઇન ફૉર્મ ભરી શકે છે.’ 

shivaji maharaj maharashtra news maharashtra mumbai mumbai news