છત્રપતિ સંભાજી મહારાજ: છત્રપતિ શિવાજી મહારાજના બહાદુર પુત્ર વિશે જાણો છો આ વાતો?

16 January, 2023 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

છત્રપતિ સંભાજી મહારાજે મુગલ સમ્રાટ ઔરંગઝેબ સાથે લગભગ 120 યુદ્ધો લડ્યા હતા અને દરેક યુદ્ધમાં ઔરંગઝેબને હારનો સામનો કરવો પડ્યો હતો

તસવીર/આઈસ્ટોક

છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj)ના પરાક્રમની ગાથાઓ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે છત્રપતિ શિવાજીની જેમ તેમના પુત્ર છત્રપતિ સંભાજી (Chhatrapati Sambhaji Maharaj)એ પણ પોતાનું જીવન દેશ અને હિન્દુત્વ માટે સમર્પિત કર્યું હતું. છત્રપતિ સંભાજી પણ તેમના પિતા છત્રપતિ શિવાજીની જેમ બહાદુરી અને સાહસનું પ્રતિક હતા.

છત્રપતિ સંભાજી બાળપણથી જ છત્રપતિ શિવાજી મહારાજ સાથે યુદ્ધના મેદાનમાં રહીને યુદ્ધની કળા તેમ જ મુત્સદ્દીગીરીમાં નિપુણ હતા. આ કારણે જ છત્રપતિ સંભાજી મહારાજે મુગલ સમ્રાટ ઔરંગઝેબ સાથે લગભગ 120 યુદ્ધો લડ્યા હતા અને દરેક યુદ્ધમાં ઔરંગઝેબને હારનો સામનો કરવો પડ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી, છત્રપતિ સંભાજી મહારાજનો 16 જાન્યુઆરીએ રાજ્યાભિષેક થયો હતો.

આવો જાણીએ સંભાજી મહારાજના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો

છત્રપતિ સંભાજી રાજેનો જન્મ 14 મે 1657ના રોજ પુરંદર દુર્ગ, પુણે (Pune) ખાતે છત્રપતિ શિવાજી મહારાજની બીજી પત્ની સાઈબાઈને ત્યાં થયો હતો. છત્રપતિસંભાજી માત્ર બે વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. તેમનો ઉછેર તેમના દાદી જીજાબાઈએ કર્યો હતો. જીજાબાઈએ સંભાજીમાં બહાદુરી અને પરાક્રમના બીજ વાવ્યા હોવાનું મનાય છે. ચૌદ-પંદર વર્ષની ઉંમરે સંભાજીમાં રાજાને કવિતા અને લેખનમાં રસ પડ્યો. આ સમયગાળા દરમિયાન જ તેઓ સંસ્કૃતના વિદ્વાન બન્યા.

વર્ષ 1680માં છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી, તેમની ત્રીજી પત્ની સોયરાબાઈના પુત્ર રાજારામને ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. તે સમયે છત્રપતિ સંભાજી મહારાજ પન્હાલામાં કેદ હતા. રાજારામના રાજ્યાભિષેકના સમાચાર છત્રપતિ સંભાજીને મળતા જ તેમણે પન્હાલાના કિલ્લેદારને મારી નાખ્યો અને કિલ્લો કબજે કર્યો. આ પછી, 18 જૂન 1680ના રોજ છત્રપતિ સંભાજીએ રાયગઢ કિલ્લા પર પણ કબજો કર્યો. રાજારામ તેમની પત્ની જાનકી અને માતા સોયરાબાઈની ધરપકડ કરવામાં આવી હતી.

16 જાન્યુઆરી, 1681ના રોજ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં છત્રપતિ સંભાજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. તેઓ 23 વર્ષની ઉંમરે છત્રપતિ બન્યા હતા. બીજી તરફ, છત્રપતિ શિવાજી મહારાજના મૃત્યુ પછી, મુગલ સમ્રાટ ઔરંગઝેબને લાગ્યું કે તે હવે સરળતાથી રાયગઢ કિલ્લા પર કબજો કરી લેશે, પરંતુ જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ રાયગઢની સત્તા પર આવ્યા ત્યારે ઔરંગઝેબે જ્યારે રાયગઢ પર હુમલો કર્યો ત્યારે તેને છત્રપતિ સંભાજીએ હરાવ્યો હતો.

છત્રપતિ સંભાજી મહારાજ દ્વારા વારંવારની હાર બાદ, સમ્રાટ ઔરંગઝેબે શપથ લીધા હતા કે જ્યાં સુધી સંભાજી મહારાજની ધરપકડ ન થાય ત્યાં સુધી તે માથા પર ફેટો બાંધશે નહીં. છત્રપતિ સંભાજી મહારાજના સાળાએ તેમની સાથે દગો કર્યો. તે મુઘલો સાથે જોડાયો. જ્યારે છત્રપતિ સંભાજી મહારાજ અને તેમના મિત્ર કેશવ રાજકીય કામકાજ પર સંગમેશ્વરથી રાયગઢ પરત ફરી રહ્યા હતા, ત્યારે સંભાજીથી નારાજ ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજને પકડી લીધા અને અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી હતી. તેમની જીભ કાપવામાં આવી હતી અને તેમની આંખો પણ ખેંચી લેવામાં આવી હતી.

આ પણ વાંચો: મુંબઈનો સૌથી ઠંડોગાર દિવસ બન્યો રવિવાર

કહેવાય છે કે જ્યારે છત્રપતિ સંભાજી મહારાજના મૃતદેહને તુલાપુરની નદીમાં ફેંકી દેવામાં આવ્યો ત્યારે કિનારે રહેતા લોકોએ શરીરના અંગો એકઠા કરી, ટાંકા લઈને આખા મૃતદેહના અગ્નિસંસ્કાર કર્યા હતા.

mumbai mumbai news shivaji maharaj