24 December, 2024 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છગન ભુજબળ
મહાયુતિની સરકારના પ્રધાનમંડળમાં સામેલ ન કરવાથી નારાજ થઈ ગયેલા નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છગન ભુજબળે ગઈ કાલે અચાનક મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મુલાકાત કરી હતી. છગન ભુજબળ અજિત પવારથી નારાજ છે એટલે તેઓ હવે પક્ષ બદલીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થવાનું વિચારી રહ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે. મુખ્ય પ્રધાનને મળ્યા બાદ છગન ભુજબળે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આજે હું અને સમીર ભુજબળ મુખ્ય પ્રધાનને મળ્યા હતા. અમારી વચ્ચે સામાજિક અને રાજકીય બાબતે ચર્ચા થઈ. મુખ્ય પ્રધાને અખબાર અને મીડિયાના માધ્યમથી અનેક બાબતો જોઈ હોવાનું અમને કહ્યું હતું. મેં તેમને કહ્યું કે મહાયુતિને મળેલા વિજયમાં અધર બૅકવર્ડ ક્લાસ (OBC)નો મોટો ફાળો છે. આ સમાજે આપણને આશીર્વાદ આપ્યા છે એટલે એનો આભાર માનવો જોઈએ. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે OBC સમાજને નુકસાન ન થાય એની કાળજી લેવામાં આવશે, આગામી આઠથી દસ દિવસ બાદ ફરી મળીને માર્ગ કાઢીશું. BJPમાં સામેલ થવા વિશેનો અત્યારે કોઈ પ્રશ્ન નથી. OBC સમાજને નુકસાન ન થાય એના પર મારું ધ્યાન કેન્દ્રિત છે. બાકી મેં ઘણું બધું કહી દીધું છે. આગામી સમયમાં મારી ભૂમિકાની સ્પષ્ટતા થશે.’
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે છગન ભુજબળ સાથેની મુલાકાત વિશે કહ્યું હતું કે ‘ભુજબળ જેવા નેતા અમારી સાથે હોવા જોઈએ. ટૂંક સમયમાં તેમની નારાજગીનો ઉકેલ લાવવામાં આવશે.’