છાવામાં છત્રપતિ સંભાજી મહારાજના લેજીમ-ડાન્સના સીન કટ થશે

28 January, 2025 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ ઠાકરેને મળ્યા પછી ફિલ્મના ડિરેક્ટરે કરી જાહેરાત

છાવામાં છત્રપતિ સંભાજી મહારાજના લેજીમ-ડાન્સના સીન કટ થશે

છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર અને તેમના જેવા જ પરાક્રમી એવા છત્રપતિ સંભાજી મહારાજ પર બનાવવામાં આવેલી ફિલ્મ ‘છાવા’નું ટ્રેલર રિલીઝ થયા બાદ એના પર વિવાદ થવા માંડ્યો હતો. ફિલ્મના એક ગીતમાં સંભાજી મહારાજનું પાત્ર ભજવતો અભિનેતા વિકી કૌશલ અને તેમનાં ધર્મપત્ની યેસુબાઈનું પાત્ર ભજવતી રશ્મિકા મંદાના લેજીમ-ડાન્સ કરતાં જોવા મળે છે. ગઈ કાલે ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેની મુલાકાત લીધી હતી અને એ પછી સંભાજી મહારાજ અને તેમનાં ધર્મપત્ની યેસુબાઈને લેજીમ-ડાન્સ કરતાં દેખાડતા સીન કટ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ શિવસેનાના નેતા ઉદય સામંતે એ સીન ફિલ્મમાંથી હટાવવાની માગણી કરી હતી. સોશ્યલ મીડિયા પર પણ એના વિશે લોકોએ વિરોધ દર્શાવ્યો હતો અને અન્ય પૉલિટિકલ નેતાઓએ પણ એ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી.

 આ બાબતે લક્ષ્મણ ઉતેકરે કહ્યું હતું કે ‘અમે આ સંદર્ભે સલાહ લેવા રાજ ઠાકરેસાહેબ સાથે મીટિંગ કરી હતી, કારણ કે તેઓ ઇતિહાસ જાણે છે અને એમાં પણ ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજ વિશે અનેક માહિતી તેઓ ધરાવે છે. તેમણે કેટલાક મહત્ત્વના ચે​ન્જિસ સૂચવ્યા છે, જેને અમે અમલમાં મૂકીશું. છત્રપતિ સંભાજી મહારાજને લેજીમ રમતા દેખાડ્યા છે એ સીન અમે કટ કરીશું. કોઈની ભાવનાઓ દુભાવવાનો અમારો કોઈ ઇરાદો નહોતો. આ ફિલ્મ માટે અમારી રિસર્ચ-ટીમે ચાર વર્ષ સુધી મહેનત કરી છે. અમારો ઇરાદો એ છે કે છત્રપતિ સંભાજી મહારાજના શૌર્ય અને ગ્રેટ કિંગ તરીકે તેમણે નિભાવેલી કામગીરી લોકો સુધી પહોંચે. જો ફિલ્મમાં એવું કશું હોય જે તેમની ઇમેજને નુકસાન પહોચાડતું હોય તો અમે એને હટાવવા તૈયાર છીએ.’

raj thackeray vicky kaushal rashmika mandanna upcoming movie trailer launch shivaji maharaj indian films shiv sena maharashtra bollywood news bollywood news mumbai mumbai news