13 December, 2022 09:10 AM IST | Mumbai | Bakulesh Trivedi
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરની વર્ષોજૂની અને બહુ જાણીતી શૈક્ષણિક સંસ્થાની સ્કૂલ અને જુનિયર કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં કચ્છી મહિલાએ સંસ્થાના ટ્રસ્ટી અને વ્યવસાયે ડૉક્ટર એવા વગદાર વ્યક્તિ સામે વિનયભંગની ફરિયાદ આરસીએફ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. આરસીએફ પોલીસે હાલમાં એફઆઇઆર ન લેતાં મહિલા પ્રિન્સિપાલનું સ્ટેટમેન્ટ નોંધી તેમણે આપેલી લેખિત ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
મુલુંડ-વેસ્ટમાં રહેતાં આ મહિલા પ્રિન્સિપાલે ફરિયાદમાં કહ્યું છે કે ‘૨૦૧૭થી હું એ સંસ્થાની સ્કૂલ અને જુનિયર કૉલેજનાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહી છું. એક ટ્રસ્ટી મને તેમની કૅબિનમાં જ્યારે અન્ય કોઈ હાજર ન હોય ત્યારે બોલાવતા હતા અને તેમની સાથે ‘ક્લોઝ’ રિલેશન બનાવવાના પ્રયાસ કરતા હતા. ટ્રસ્ટીએ મને કેટલાક દ્વિઅર્થી મેસેજ પણ મોકલાવ્યા હતા અને દ્વિઅર્થી શબ્દો વાપરીને મારી સાથે વાત પણ કરતા હતા, એથી તેમનું વર્તન શંકાસ્પદ અને ગેરલાયક હતું. એક વાર હું ટ્રસ્ટની ઑફિસથી સ્કૂલ જઈ રહી હતી ત્યારે ટ્રસ્ટીએ મને લિફ્ટ આપવાને બહાને કારમાં બેસાડી દીધી હતી અને ત્યાર બાદ સ્કૂલમાં ડ્રૉપ ન કરતાં પોતાના ઘરે લઈ ગયા હતા. એ વખતે તેમના ફ્લૅટમાં અન્ય કોઈ નહોતું એટલે તેઓ મારી સામે જ પૅન્ટ ઉતારી ટૉવેલ પહેરીને ફ્રેશ થવા જતા રહ્યા હતા. આ ઘટનાથી ડઘાઈ જઈને ત્યાંથી તરત જ હું સ્કૂલમાં પહોંચવું છે કહીને ચાલી ગઈ હતી.’
મહિલા પ્રિન્સિપાલે ફરિયાદમાં વધુમાં જણાવતાં કહ્યું કે ‘૨૯ નવેમ્બરે તેમનાં સહયોગી મહિલા શિક્ષકે આવીને મને કહ્યું કે ટ્રસ્ટીસાહેબે તમને મળવા કહ્યું છે. ટ્રસ્ટીસાહેબની ફરિયાદ છે કે તમે તેમની સાથે કો-ઑર્ડિનેટ નથી કરતાં અને તેમને સહકાર નથી આપતાં. એ પછી શનિવાર ૩ ડિસેમ્બરે મારી તબિયત ઠીક ન હોવાથી મેં ઈ-મેઇલ કરી હતી કે હું ફરજ પર નહીં આવી શકું અને એ જણાવવા માટે મેં ટ્રસ્ટીસાહેબને ફોન પણ કર્યો હતો, પણ તેમણે ઉપાડ્યો નહોતો. એ પછી તેમણે મને કોઈ પણ રેફરન્સ વગર પાંચમી ડિસેમ્બરે મેસેજ કર્યા હતા, એથી ૯ ડિસેમ્બરે સ્કૂલમાં રિઝ્યુમ કરતાં પહેલાં તેમને મળવાનું નક્કી કરીને હું તેમના ક્લિનિક પર ગઈ હતી. ત્યાંથી હું સ્કૂલ જૉઇન કરવાની હતી. હું જ્યારે તેમને મળવા તેમના ક્લિનિકની કૅબિનમાં ગઈ ત્યારે ત્યાં તેમનાં વાઇફ હાજર હતાં, પણ મને આવેલી જોતાં તેઓ તરત જ કૅબિનમાંથી બહાર નીકળી ગયા હતા. મેં તેમને કહ્યું કે મારાં સહયોગી શિક્ષિકાએ મેસેજ આપ્યો કે હું તમને કો-ઑપરેટ નથી કરતી અને તમે મને આવા મેસેજ કેમ ફૉર્વર્ડ કર્યા છે? ત્યારે તેમણે અજાણ બનતાં કહ્યું કે કયા મેસેજ? મેં કોઈ મેસેજ મોકલાવ્યા નથી. તેમણે તેમનો મોબાઇલ મારી તરફ ધર્યો હતો, પણ મેં એ નહોતો લીધો. તેમણે મને પૂછ્યું કે શું તમે એ મેસેજ વાંચ્યા છે? અને પછી તેમણે મને તેમની પાસે જઈને એ મેસેજ મારા મોબાઇલમાં બતાવવા કહ્યું હતું એથી મારે તેમને એ મેસેજ મારા ફોનમાં બતાવવાના હોવાથી મારે તેમની નજીક જઈને એ મેસેજ બતાવવા પડ્યા. ત્યારે તેમણે મારી છાતી પર હાથ મૂકી દીધો અને મને કહ્યું કે ‘મૅડમ, તુમ મુઝે અચ્છી લગતી હો, લેકિન ક્યા કરું, તુમ મેરી બાત કો સમઝતી હી નહીં હો, તો મૈં તુમ્હારી હેલ્પ કૈસે કરું? આમ કહીને તેમણે મારી છાતી દબાવી દીધી હતી. હું તેમની આવી હરકતથી ડઘાઈ ગઈ હતી અને મને ગુસ્સો આવી ગયો હતો. મેં તેમને કહી દીધું કે તમે મારા જેવી પરિણીત મહિલા સાથે આવું ન કરી શકો. મૈં ઇસ લિએ યહાં નૌકરી નહીં કર રહી હૂં (હું કંઈ આને માટે અહીં નોકરી નથી કરતી). એથી તરત જ એ ટ્રસ્ટી મને હડસેલીને કૅબિનની બહાર ચાલ્યા ગયા અને તેમના સર્વન્ટને કહ્યું કે ‘મૅડમ કો ચાય પિલાઓ. હું બહુ ગભરાઈ ગઈ હતી, ડઘાઈ ગઈ હતી. થોડી વાર માટે સુન્ન થઈ ગઈ હતી. એ પછી હું ત્યાંથી નીકળી ગઈ હતી. જોકે મેં જતાં-જતાં તેમને કહ્યું કે અબ આપસે બાત કરને કા કોઈ મતલબ નહીં, મૈં જા રહી હૂં. ત્યાર બાદ મેં એપીએમસીમાં કામ કરતા મારા પતિને ફોન કરીને વિગત જણાવી હતી. મારી હાલત કફોડી થઈ ગઈ હતી અને મને સારું ન લાગતાં હું શતાબ્દી હૉસ્પિટલ ગઈ હતી. ત્યાં મહિલા ડૉક્ટરે મને ચેક કરી હતી અને પૂછપરછ કરી હતી. ત્યારે તેમણે મને પૂછ્યું કે તમે ક્યાંથી આવી રહ્યાં છો, ત્યારે મારે તેમને બધી વિગત જણાવવી પડી હતી. એ પછી મારા પતિ અને તેમના મિત્ર શતાબ્દી હૉસ્પિટલ આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ અમે ફરિયાદ નોંધાવવા આરસીએફ પોલીસ-સ્ટેશન ગયાં હતાં.’
પોલીસે તેમનું સ્ટેટમેન્ટ નોંધ્યું હતું અને લેખિત ફરિયાદ આપવા જણાવ્યું હતું. અલગ-અલગ ઑફિસર દ્વારા કલાકો સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી, પણ એફઆઇઆર લેવાઈ નહોતી. બીજા દિવસે તેમણે લેખિત ફરિયાદ આપી હતી.
પોલીસ શું કહે છે?
આ સંદર્ભે આરસીએફ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ કમિશનર સુહાસ હેમાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મુજબની ફરિયાદ અમને મળી છે. અમે એની તપાસ કરી રહ્યા છીએ. એથી આ બાબતે હાલ વધુ કાંઈ કહી ન શકાય.’