કોણે કહ્યું કે મારી દીકરી દૃષ્ટિ ગઈ? તેનું હૃદય ધબકી રહ્યું છે; મારી દૃષ્ટિ બીજાની દૃષ્ટિ બનશે

28 November, 2023 09:55 AM IST  |  Mumbai | Ruchita Shah

પાંચ વર્ષની દીકરી બની ત્રણ બાળકો માટે તારણહાર

દૃષ્ટિ નાગરાણી અને તેના પેરન્ટ્સ

પાંચ વર્ષ અગિયાર મહિનાની દીકરીના પિતાના આ શબ્દોએ ગઈ કાલે વાડિયા હૉસ્પિટલના ડૉક્ટરોને પણ ભાવુક કરી દીધેલા. બ્રેઇન ડેડ થયા બાદ કિડની, આંખો અને હાર્ટ ડોનેટ કરનારી દૃષ્ટિ નાગરાણીને કારણે ત્રણ બાળકોને નવજીવન મળશે. હૉસ્પિટલના આખા સ્ટાફે તેને સૅલ્યુટ સાથે દબદબાભેર છેલ્લી વિદાય આપીને અનેક માટે પ્રેરણા પૂરી પાડી

અચાનક વૉમિટિંગ અને ચાર-પાંચ દિવસની સારવાર બાદ મગજમાં પાણી ભરાવાનું નિદાન થયું અને ચેમ્બુરમાં રહેતા અવિનાશ નાગરાણીની પાંચ વર્ષ અને અગિયાર મહિનાની દીકરી દૃષ્ટિને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી. દેખીતી રીતે પરિવાર પર આ આભ ફાટવા જેવી બાબત હતી. એ પછીયે ડૉક્ટરો અને નજીકના મિત્રોની સમજાવટ પછી દીકરી અનેક માટે નવજીવનનું કારણ બને એવું ઉમદા પગલું આ માતા-પિતાએ લીધું છે. તેમણે દૃષ્ટિના હાર્ટ, આંખો અને કિડનીનું દાન આપ્યું. આ અંગદાનથી ત્રણ બાળકોને નવું જીવન મળશે. આ પગલા બદલ ગઈ કાલે વાડિયા હૉસ્પિટલના સ્ટાફે સૅલ્યુટ અને પૂરા સત્કાર સાથે દૃષ્ટિને અંતિમ વિદાય આપી હતી.

આખી ઘટના વિશે વાત કરતાં અવિનાશ નાગરાણીના ભાઈ સમાન મિત્ર કિલોલ મુખીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા મંગળવારે અચાનક રાતે દૃષ્ટિને વૉમિટિંગ થઈ હતી. રાતે ડૉક્ટરે સારવાર આપી, પરંતુ કોઈ પરિણામ ન દેખાતાં તેને નજીકની હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં કરાવવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે માથામાં પાણી ભરાયું હતું. એ દરમ્યાન તેને વાડિયા હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. જોકે અથાક પ્રયાસ પછી પણ તેને બચાવી ન શકાઈ અને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી.’

દૃષ્ટિ દરઅસલ દિવ્યાંગ બાળક હતી. પગના પ્રૉબ્લેમને કારણે નિયમિત સારવાર માટે તેના પેરન્ટ્સની વાડિયા હૉસ્પિટલમાં અવરજવર ચાલુ જ હતી. જોકે અહીં નજીવી ક્ષણોમાં દીકરી દુનિયાને આખરી સલામ ભરશે એની કલ્પના પણ પેરન્ટ્સને સ્વાભાવિકપણે જ નહોતી. છતાં તેમણે હિંમત દાખવી. દૃષ્ટિના પિતા અવિનાશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં અંગદાન વિશે કોઈ ખાસ જાણકારી નહોતી, પરંતુ બ્રેઇન ડેડ પેશન્ટ અનેક માટે જીવનદાનમાં નિમિત્ત બની શકે છે એ વિશે મિત્રો અને ડૉક્ટરોએ સમજાવ્યું. મને મારી દીકરી માટે પ્રાઉડ છે. હું માનતો જ નથી કે મારી ગુડ્ડો (દૃષ્ટિ) હયાત નથી. તે આજે પણ જીવે છે, કારણ કે તેનું હૃદય આજે પણ ધબકે છે, તેની આંખો આજે પણ જુએ છે. તેની કિડની કોઈક બાળકને જીવન આપશે. મારી પત્નીએ પણ જબરો સાથ આપ્યો અને હિંમત સાથે આ નિર્ણય લેવામાં પડખે રહી. અમારી દીકરી દૂર જઈને પણ જીવવાની અનોખી રાહ દેખાડતી ગઈ. અમારી દીકરી અનેક રીતે પોતાનું નામ સાર્થક કરતી ગઈ.’

પાંચ વર્ષ અગિયાર મહિનાની બહાદુર દીકરીને વાડિયા હૉસ્પિટલના સ્ટાફે સૅલ્યુટ કરી

ગ્રીન કૉરિડોર થકી દૃષ્ટિનું હૃદય દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે તેમ જ એક કિડની કેઈએમ હૉસ્પિટલમાં અને બીજી કીડની જ્યુપિટર હૉસ્પિટલમાં રિસીવર બાળક માટે મોકલવામાં આવી છે. આ સંદર્ભે વાડિયા હૉસ્પિટલનાં સીઈઓ ડૉ. મિની બુધાવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમય રહેતાં ઑર્ગન માટે રિસીવર બાળકનાં પૅરામીટર્સ મૅચ થવાં પણ બહુ મહત્ત્વનાં હોય છે. આ બધું જ સમયસર થઈ ગયું અને બાળકોને જીવનદાન મળ્યું. ત્રેવીસ નવેમ્બરે દૃષ્ટિને વાડિયામાં ઍડ્મિટ કરવામાં આવી ત્યારે જ તેની હાલત ક્રિટિકલ હતી. અનેક પ્રયાસો પછી કે સર્જરી થકી પણ રિકવરીના ચાન્સ નહીંવત્ હતા. તેના પેરન્ટ્સ તેનું નામ ‘દૃષ્ટિ’ હોવાથી ચક્ષુદાન કરવા માટે માનસિક રીતે સજ્જ હતા. જોકે ડૉક્ટરો સાથે અમારી પેલિવેટિવ ટીમ બીજાં બાળકોના જીવ બચાવવામાં દૃષ્ટિ નિમિત્ત બની શકે એ વાત પેરન્ટ્સને સમજાવી શકી. હું તેના પેરન્ટ્સને ધન્યવાદ આપું છું કે તેમણે જે રીતે હિંમત દાખવી અને કેટલાંય બાળકો માટે જીવનદાન કરીને પોતાની દીકરીને અલગ રીતે જીવંત રાખવાનો ઉચિત નિર્ણય લીધો છે. તેમનો આ નિર્ણય અને દૃષ્ટિનું નામ હંમેશાં યાદ રહે એ માટે વાડિયામાં અમે બનાવેલી ડોનર રેકગ્નિશન વૉલ પર દૃષ્ટિનું નામ અંકિત કર્યું છે.’

આ આખી ઘટના પછી દૃષ્ટિના પરિવાર સાથે સંકળાયેલા ઘણા સ્વજનો અને મિત્રોએ પણ તેની અંતિમ વિદાયમાં ઑર્ગન ડોનેશનનો સંકલ્પ કર્યો હતો. 

chembur organ donation mumbai mumbai news ruchita shah