08 June, 2023 01:58 PM IST | Mumbai | Anurag Kamble
ગઈ કાલે મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનની બહાર પીડિતાના પરિવારજનો (તસવીર : સમીર માર્કન્ડે)
બાંદરાની સરકારી પૉલિટેક્નિકના બીજા વર્ષમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષની સ્ટુડન્ટ પર ૩૫ વર્ષના આરોપી ઓમપ્રકાશ કનોજિયાએ ચર્ની રોડની હોસ્ટેલમાં કથિત રીતે બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી હતી. તે આરોપીએ બાદમાં મંગળવારે સવારે આત્મહત્યા કરી લીધી.
પાંચમી જૂને સ્ટુડન્ટ તેના વતન જવાની હતી. તેની માતાએ જણાવ્યું હતું કે ‘જોકે બીજા દિવસે કોઈ સમાચાર ન મળતાં મારા પતિએ ઓમપ્રકાશ કનોજિયાને ફોન કર્યો. હૉસ્ટેલની મુલાકાત દરમ્યાન અમે તેને મળ્યા હતા. તેણે કૉલનો જવાબ ન આપતાં દીકરીના મિત્રને ફોન કર્યો હતો. તેણે તપાસ કરતાં તે નગ્ન અવસ્થામાં ફ્લોર પર નિશ્ચેતન પડેલી દેખાઈ હતી.’
પોલીસને જાણ કરતાં તે ૧૦ મિનિટમાં પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે તાળું તોડ્યું હતું અને યુવતીને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
પૂછપરછ દરમ્યાન પોલીસને માલૂમ પડ્યું હતું કે ઓમપ્રકાશ કનોજિયા નામનો લૉન્ડ્રીમૅન અને સિક્યૉરિટીનું કામ કરતો માણસ સવારે ૪.૪૪ વાગ્યે હૉસ્ટેલના ગેટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તેને ટ્રૅક કરવાનું શરૂ થયું હતું. દરમ્યાન પોલીસને માહિતી મળી કે ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ રેલવે સ્ટેશન વચ્ચે એક મૃતદેહ મળી આવ્યો છે, જેની ઓળખ ઓમપ્રકાશ કનોજિયા તરીકે થઈ.
બુધવારે સવારે યુવતીનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું. એમાં જાણવા મળ્યું હતું કે તેના પર જાતીય હુમલો થયો છે અને તેનું મૃત્યુ ગળું દબાવવાથી થયું છે.
તપાસ મુજબ આરોપી ઓમપ્રકાશ દરવાજાની ઉપરની બારીમાંથી અંદર હાથ નાખીને અંદરથી બંધ કરેલો દરવાજો ખોલીને રૂમમાં પ્રવેશ્યો હતો. મૃતદેહના ચહેરા, ગરદન અને હાથ પરનાં નિશાન સૂચવે છે કે યુવતીએ આરોપી સામે પ્રતિકાર કર્યો હતો. અંતે તેણે તેનું ખૂન કર્યું હતું. ઓમપ્રકાશ કનોજિયાનો હોસ્ટેલમાંથી નીકળીને ટ્રેનની નીચે પડતું મૂકવાનો ટાઇમ ગૅપ માત્ર ૧૪ મિનિટનો હતો.
યુવતીના પિતા મહિનામાં બે-ત્રણ વખત પુત્રીને મળવા આવતા હોવાથી તેઓ આરોપીના સંપર્કમાં હતા. તેમણે કહ્યું હતું કે ‘તેણે (આરોપીએ) કહ્યું હતું કે તે મારી દીકરીની સંભાળ રાખશે. હું વિચારી નથી શકતો કે તે આવું કરશે.’
પરીક્ષા પૂરી થતાં સાવિત્રીદેવી ફુલે મહિલા છાત્રાલયની વિદ્યાર્થિનીઓની તેમના વતન જવા માટે નીકળી ગઈ હતી. ગયા રવિવાર સુધી ચોથા માળે માત્ર ત્રણ છોકરીઓ રહેતી હતી, જ્યાં યુવતીનો રૂમ હતો. રવિવારે એ બે વિદ્યાર્થિનીઓ પણ નીકળી ગઈ હતી. હૉસ્ટેલમાં રહેતી અમુક યુવતીઓના નિવેદન મુજબ સંચાલકો તરફથી ઓમપ્રકાશ કનોજિયાને રાતના સંપૂર્ણ સત્તા આપવામાં આવી હતી. તે ફ્લોર પર ફરતો અને છોકરીઓને ચીડવવા માટે પૅસેજમાં લાઇટો બંધ કરી દેતો. ચાર દિવસ પહેલાં પણ તેણે આ યુવતી સાથે આવું જ કર્યું હતું, પરંતુ તેણે આ વાત તેનાં માતા-પિતા કે વૉર્ડનને નહીં, પરંતુ તેના મિત્રને કરી હતી.