22 November, 2023 07:20 AM IST | Mumbai | Rajendra B Aklekar, Diwakar Sharma
દાદર સ્ટેશન પર પ્રવાસીઓનો મદદગાર નરેન્દ્ર પાટીલ (તસવીર : સતેજ શિંદે)
મુંબઈનું દાદર રેલવે સ્ટેશન ભરચક અને ખૂબ જ ભીડવાળું સ્ટેશન છે. અહીં અસંખ્ય મુસાફરો આવ-જા કરતા હોય છે. બહારગામની ટ્રેનોના મુસાફરો પણ અહીંથી ટ્રેન પકડતા હોય છે અથવા બહારગામથી અહીં ઊતરતા હોય છે. દાદર સ્ટેશન પર ભીડ અને દોડભાગ એટલી બધી હોય છે કે લોકો કન્ફ્યુઝ થઈ જાય. એમાં પણ અજાણ્યા લોકો તો ચોક્કસ ભૂલા પડી જાય. આ જ કારણથી દાદર સ્ટેશન પર અનેક મુસાફરો અહીંતહીં ભટકતા હોય છે. તેમને ખબર નથી હોતી કે કયા માર્ગે જવું અને કેવી રીતે પોતાના નિર્ધારિત સ્થાને પહોંચવું. આ પ્રકારની મુશ્કેલી અનુભવતા મુસાફરોની મદદ માટે એક સેવાભાવી મુંબઈગરા રેલવે દૂતની કામગીરી કરી રહ્યા છે. વરલી વિલેજમાં રહેતા અને મુલુંડમાં નોકરી કરતા નરેન્દ્ર પાટીલ એક અલગ જ પ્રકારના માણસ છે. તેઓ મુલુંડમાં નોકરી પર જતાં પહેલાં બે કલાક સુધી દાદર પર ઊભા રહે છે અને મુશ્કેલી અનુભવતા મુસાફરોને માર્ગદર્શન આપે છે.
નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે ‘દાદર સ્ટેશન પર અસંખ્ય લોકોની ભીડ અને દોડભાગ હોય છે, પરંતુ સ્ટેશન પર પૂરતાં ઇન્ડિકેટરો ગોઠવવામાં આવ્યાં નથી એટલે મુસાફરોને પોતાના નિર્ધારિત સ્થાને જવામાં તકલીફ પડતી હોય છે. તેમને માર્ગદર્શન આપવાવાળું કોઈ નથી હોતું. આથી બે વર્ષ પહેલાં મેં આ કામગીરી શરૂ કરી હતી.’
દાદર સ્ટેશનની સાઉથ દિશામાં કોઈ જ ઇન્ડિકેટરો લગાવવામાં આવ્યાં ન હોવાથી ત્યાં લોકોને બહુ જ તકલીફ પડતી હોય છે એમ જણાવીને નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે આ માટે મેં સ્ટેશન માસ્ટરનો સંપર્ક કરીને તેમને ત્યાં ઇન્ડિકેટરો મૂકવા માટે પણ જણાવ્યું છે.
રેલવેના અધિકારીઓએ કહ્યું હતું કે ‘બંને દાદરને એક જ યુનિટમાં ફેરવવાનો પ્લાન બહુ જ ઝડપથી અમલમાં મૂકવામાં આવશે. અહીંનાં કુલ ૧૪ પ્લૅટફૉર્મને એકસાથે લાવવામાં આવશે. વેસ્ટર્ન રેલવેના દાદરના પ્લૅટફૉર્મ-નંબર એકને એક નંબર આપવામાં આવશે અને ત્યાર પછી એની સાથે છેલ્લે મધ્ય રેલવેના દાદરનાં પ્લૅટફૉર્મ્સને જોડવામાં આવશે. નવા પ્લૅટફૉર્મ-નંબરો સાથેનો પ્લાન ૯ ડિસેમ્બર ૨૦૨૩થી લાગુ કરવામાં આવશે.’
રેલવેના આ નવા પ્લાનને આવકારતાં નરેન્દ્ર પાટીલે કહ્યું હતું કે ‘આમ છતાં રેલવેના સત્તાવાળાઓએ પૂરતાં ઇન્ડિકેટરો મૂકવાની તકેદારી રાખવી જોઈશે, જેથી મુસાફરોને સગવડ રહે. હું મારું કામ ચાલુ જ રાખીશ.’
નરેન્દ્ર પાટીલ પોતાની ઑફિસમાં પહોંચતાં પહેલાં બે કલાક દાદર સ્ટેશન પર લોકોને મદદરૂપ થવામાં વિતાવે છે. તેઓ કહે છે કે ઘણા મુસાફરો જાતજાતની પૂછપરછ કરવા માગતા હોય છે એટલે હું ફક્ત સામાજિક સેવાના હેતુથી આ કામ કરી રહ્યો છું.