01 April, 2024 08:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવાના વિરોધમાં ગઈ કાલે દિલ્હીમાં વિરોધ પક્ષોના સંગઠન ઇન્ડિયન નૅશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સ (INDIA) દ્વારા રામલીલા મેદાનમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પ્રેસ-કૉન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ ભારતીય જનતા પાર્ટી (BJP)માં બધા ઠગ જમા થઈ રહ્યા હોવાની ટીકા કરવાની સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પણ નિશાના પર લીધા હતા. એના જવાબમાં BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘િલકર સ્કૅમના આરોપી અરવિંદ કેજરીવાલને બચાવવા માટે આયોજિત ‘ઠગો કા મેલા’ કાર્યક્રમ માટે ટોણાસમ્રાટ ઉદ્ધવ ઠાકરે દિલ્હી ગયા હતા અને તેમણે ટોણા મારવાનો કાર્યક્રમ કર્યો. દેવેન્દ્રજી ફિલ્મ બનાવવાનું વિચારે તો ‘૧૦૦ કરોડ વસૂલી ફાઇલ્સ’ની સ્ક્રિપ્ટ તૈયાર છે. એ સિવાય ‘વઝે કી લાદેન ફાઇલ્સ’, ‘ખીચડી ફાઇલ્સ’ અને ‘કોવિડ બૅગ ફાઇલ્સ’ જેવી ફિલ્મો પણ બની શકે એટલો મસાલો અમારી પાસે છે. આથી ઉદ્ધવ ઠાકરેએ ટોણા મારતા પહેલાં ઘરમાં બેસીને અઢી વર્ષ ચલાવેલા સરકારના કારભારનો વિચાર કરવો રહ્યો.’