20 September, 2024 03:15 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
ઍના સેબસ્ટિયન પેરયિલ
દેશની જાણીતી મલ્ટિનૅશનલ કંપની અર્ન્સ્ટ ઍન્ડ યંગ (E&Y)માં પુણેમાં કામ કરતી ૨૬ વર્ષની ઍના સેબસ્ટિયન પેરયિલ નામની યુવતીનું કામના વધુ પડતા બોજને લીધે મૃત્યુ થયું હોવાનો આરોપ તેની મમ્મીએ કર્યા બાદ સરકારે પણ આ ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે.
૨૬ વર્ષની ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને હજી ચાર મહિના જ થયા હતા આ કંપનીને જૉઇન કરીને. જોકે તેને રોજ મોડી રાત સુધી કામ કરવું પડતું હતું તેમ જ રજા પણ ન મળતી હોવાનો આરોપ તેની મમ્મીએ કંપનીના ચૅરમૅનને લખેલા લેટરમાં કર્યો છે.
કેન્દ્રમાં શ્રમ અને રોજગાર ખાતાનાં રાજ્યપ્રધાન શોભા કરંદલાજેએ આ ઘટનાના સંદર્ભમાં સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘ઍના સેબસ્ટિયન પેરયિલના નિધનથી બહું જ દુઃખ થયું છે. અસુરક્ષિત અને શોષણાત્મક વર્ક એનવાયર્નમેન્ટના આરોપની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમે ન્યાય અપાવવા પ્રતિબદ્ધ છીએ અને શ્રમ મંત્રાલયે સત્તાવાર રીતે આ ફરિયાદની નોંધ લીધી છે.’
E&Yએ આ ઘટનાના સંદર્ભમાં કહ્યું હતું કે ‘અમે ઍનાના પરિવારના સંપર્કમાં છીએ. અમે અમારા બધા કર્મચારીઓની હેલ્થને સૌથી વધુ મહત્ત્વ આપીએ છીએ અને આપતા રહીશું. ભારતમાં એક લાખ લોકો E&Yમાં કામ કરે છે. ’