28 June, 2023 08:05 AM IST | Mumbai | Rajendra B Aklekar
પોલીસે લોકોને યાર્ડમાં ટ્રેનમાં ચડતા અટકાવ્યા હતા, અંબરનાથ સ્ટેશન પર વિરોધ કરી રહેલા મુસાફરો
મંગળવારે સવારે અંબરનાથમાં રેલવેના મુસાફરોએ ટ્રૅક પર વિરોધ કર્યો હતો, કારણ કે તેમને યાર્ડમાં ગેરકાયદે રીતે લોકલ ટ્રેનમાં ચડવાની મંજૂરી આપવામાં આવી નહોતી. પાછલા એક વર્ષમાં આ પ્રકારનો આ બીજો વિરોધ છે. અગાઉ કલવામાં આવો જ વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધને કારણે સીએસએમટી જતી ટ્રેનો ૧૦ મિનિટ મોડી પડી હતી. સેન્ટ્રલ રેલવે યાર્ડમાં બોર્ડિંગને મંજૂરી નહીં આપવાના એના સ્ટૅન્ડ પર અડગ છે.
એક પ્રવાસીએ આ વર્તણૂકને ગુંડાગીરી ગણાવી હતી. સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સાઇડિંગ અથવા યાર્ડ પરથી ટ્રેનમાં ચડવું અસુરક્ષિત હોવાથી તેથી એને મંજૂરી નથી. મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્લૅટફૉર્મ પરથી જ ટ્રેનમાં ચડે.’
ગયા વર્ષે ૨૦૨૨ના ઑગસ્ટમાં કલવાના પ્રવાસીઓએ પણ આવો જ વિરોધ કર્યો હતો. તેઓ તેમની રેગ્યુલર ટ્રેનને એસી લોકલ ટ્રેનમાં તબદીલ કરવામાં આવ્યા બાદ ગેરકાયદે રીતે એ ટ્રેનમાં ચડતા હતા. એ વિરોધને રાજકીય સમર્થન મળ્યું હતું. એને કારણે ૧૦ એસી ટ્રેન-સર્વિસ રદ કરવામાં આવી હતી, જે આજ સુધી ફરી શરૂ થઈ શકી નથી.