10 March, 2023 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સેન્ટ્રલ રેલવે ગઈ કાલે સવારે સાડાછ વાગ્યે ખોરવાઈ જતાં પ્રવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા હતા. એમાં કસારાથી સીએસએમટી વચ્ચે વાહનવ્યવહાર ખોરવાયો હતો, જ્યારે કસારા અને ઉમરમાલી સ્ટેશનો વચ્ચે અપ લાઇન પરના ટ્રૅકમાં ટેક્નિકલ ફૉલ્ટને કારણે અપ ટ્રેનસેવાઓ ઠપ થઈ હતી. જોકે એનું રિપેરિંગ કરતાં એક કલાકથી વધુ સમય લાગતાં પીક-અવર્સમાં ઑફિસ જતા પ્રવાસીઓ હેરાન થયા હતા. ટ્રેનવ્યવહાર પર અસર થતાં ૩ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી. દરમ્યાન એક વિશેષ લોકલ દોડાવાઈ હતી. એ દરમ્યાન ૬ એક્સપ્રેસ ટ્રેનો ૩૦થી ૪૫ મિનિટ મોડી પડી હતી.
થાણે જિલ્લામાં ઉમરમાલી સ્ટેશન નજીક માઇક્રો-ટનલિંગના કામ વચ્ચે ટ્રૅકની નીચે ખાડો પડી જતાં સેન્ટ્રલ રેલવેની મુખ્ય લાઇન પરનો ટ્રેનવ્યવહાર પ્રભાવિત થયો હતો. સેન્ટ્રલ રેલવેના વરિષ્ઠ પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સેન્ટ્રલ રેલવેના સીએસએમટી હેડક્વૉર્ટરથી લગભગ ૧૧૫ કિલોમીટરના અંતરે પાઇપ સ્ટ્રક્ચરને આગળ કરવાના કામ માટે માઇક્રો-ટનલિંગનું પ્રી-મૉન્સૂન કામ ચાલી રહ્યું હતું ત્યારે સવારે સાડાછ વાગ્યે પાટાની નીચે ખાડો થઈ ગયો હતો. સલામતીના કારણસર અપ લાઇન એટલે કે સીએસએમટી બાઉન્ડ લાઇન પર ટ્રેનની કામગીરી લગભગ ૫૦ મિનિટ માટે રોકવામાં આવી હતી. એને કારણે ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનો એકની પાછળ બીજી ઊભી રહી ગઈ હતી. ખાડો ભરવામાં આવ્યો એ પછી ટ્રેનને ૭.૨૦ વાગ્યે ગતિ નિયંત્રણ સાથે શરૂ કરવામાં આવી હતી. આ બનાવને કારણે ૩ લોકલ રદ કરવામાં આવી હતી.’